<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

જ્યોર્જિયા મેલોનીનું ભારત પ્રેમ પર મોટું નિવેદન: "નવી દિલ્હીમાં ચૂંટણી લડું તો ૧૦ લાખ મતોથી જીતી જાઉં!" - ઇટાલીના પીએમએ પુસ્તકમાં ભારત મુલાકાતની યાદો તાજી કરી

નવી દિલ્હીના રસ્તાઓ પર પોતાના હસતા ચહેરાવાળા પોસ્ટરો જોઈને ભાવુક થયા હતા મેલોની; ઇટાલીના ડેપ્યુટી પીએમની રમુજી સલાહનો પુસ્તક ‘જ્યોર્જિયા’સ વિઝન’ માં રસપ્રદ ખુલાસો

નવી દિલ્હી : ઇટાલીના લોકપ્રિય અને પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) અને ભારત વચ્ચેનો ખાસ સ્નેહ જગજાહેર છે, પરંતુ તાજેતરમાં તેમણે ભારતને લઈને એક એવો કિસ્સો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પીએમ મેલોનીએ પોતાના નવા પુસ્તકમાં વર્ષ ૨૦૨૩ની તેમની ભારત મુલાકાતને યાદ કરતા લખ્યું છે કે, જો તેઓ ભારતના પાટનગર નવી દિલ્હીમાંથી ચૂંટણી લડશે તો ખૂબ જ જંગી બહુમતીથી જીતી જશે!

પુસ્તક ‘જ્યોર્જિયા’સ વિઝન’ માં ભારતનો ઉલ્લેખ

જાણીતા પત્રકાર એલેસાન્ડ્રો સલુસ્ટી (Alessandro Sallusti) સાથેની વાતચીત પર આધારિત તેમના નવા પુસ્તક "જ્યોર્જિયા’સ વિઝન" (Giorgia's Vision) માં તેમણે ભારત પ્રવાસ દરમિયાનના પોતાના અદભુત અનુભવો આલેખ્યા છે. મેલોનીએ યાદ કર્યું કે જ્યારે તેઓ ૨૦૨૩માં સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા, ત્યારે નવી દિલ્હીના રસ્તાઓ પર તેમના સ્વાગત માટે તેમના હસતા ચહેરાવાળા અને મુલાકાત માટે આભાર માનતા સેંકડો સુંદર પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. દિલ્હીવાસીઓ તરફથી મળેલા આ ભવ્ય અને સ્નેહપૂર્ણ સ્વાગતે તેમનું દિલ જીતી લીધું હતું.

ડેપ્યુટી પીએમની રમુજી ટિપ્પણી

પુસ્તકમાં પીએમ મેલોનીએ એક અત્યંત રમુજી કિસ્સો શેર કરતા જણાવ્યું છે કે, દિલ્હીના રસ્તાઓ પર ચારેય તરફ જ્યોર્જિયા મેલોનીના પોસ્ટરો જોઈને તેમની સાથે આવેલા ઇટાલીના નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તાજાની (Antonio Tajani) પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાજાનીએ રમુજના મૂડમાં મેલોનીને કહ્યું હતું કે, "જો તમે નવી દિલ્હીના કોઈ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઉભા રહો, તો તમે આરામથી દસ લાખ (૧૦ લાખ) મતો મેળવીને જીતી જશો!"

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીની કેમિસ્ટ્રી અને ડિજિટલ દુનિયામાં ‘Melodi’ હેશટેગ હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે ઇટાલિયન પીએમ દ્વારા પોતાના પુસ્તકમાં ભારતની મહેમાનગતિના આટલા મનભરીને વખાણ કરવા તે બંને દેશોના મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.

(7:59 PM IST)