<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પેટ્રોલ- ડીઝલની ઝંઝટમાંથી મળશે મુક્તિ : 5 જૂને મારુતિ સુઝુકી લોન્ચ કરશે 100% ઇથેનોલથી ચાલતી ખાસ કાર

મારુતિ સુઝુકી પોતાની લોકપ્રિય ફેમિલી કાર વેગનઆર (WagonR)ના ફ્લેક્સ ફ્યુઅલ મોડલ પરથી આગામી સપ્તાહે સંપૂર્ણ રીતે પડદો ઉઠાવશે

નવી દિલ્હી :દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના સતત વધતા ભાવ વચ્ચે ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં એક મોટો ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીની ફ્યુઅલ બચાવો અપીલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ વધતા ઝુકાવ વચ્ચે હવે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી પર ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. આ રેસમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી  બાજી મારવા જઈ રહી છે. કંપની આગામી 5 જૂનના રોજ ભારતીય બજારમાં પોતાની પ્રથમ માસ માર્કેટ ફ્લેક્સ ફ્યુઅલ કાર રજૂ કરવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, મારુતિ સુઝુકી પોતાની લોકપ્રિય ફેમિલી કાર વેગનઆર ફ્લેક્સ ફ્યુઅલ મોડલ પરથી આગામી સપ્તાહે સંપૂર્ણ રીતે પડદો ઉઠાવી શકે છે. આ નવું મોડલ 'વેગનઆર E100' હોઈ શકે છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ હશે કે તે માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ 100 ટકા ઇથેનોલ પર પણ ચાલી શકશે. કંપની અગાઉ પણ અનેક ઓટો એક્સ્પો અને ઇવેન્ટ્સમાં આ મોડલ પ્રદર્શિત કરી ચૂકી છે.

 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી લાંબા સમયથી ભારતમાં ઇથેનોલને મુખ્ય ઓટોમોટિવ ઇંધણ બનાવવાની વકાલાત કરી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશથી આયાત થતા ક્રૂડ ઓઇલ (પેટ્રોલિયમ) પરની નિર્ભરતા ઘટાડવાનો છે. તમને જણાવી દઈએ કે, ઇથેનોલ બાયોમાસ, શેરડી અને સ્ટાર્ચયુક્ત પાકોમાંથી તૈયાર કરવામાં આવે છે. પેટ્રોલની સરખામણીએ ઇથેનોલ ઘણું સસ્તું છે અને તેનાથી કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું ઉત્સર્જન પણ ખૂબ ઓછું થાય છે, જેથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે. હાલમાં ભારતમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત (E20) કરવામાં આવે છે, જેને ભવિષ્યમાં વધારીને 30 ટકા (E30) સુધી લઈ જવાની યોજના છે.

 

મારુતિ સુઝુકીના કોર્પોરેટ અફેર્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીના જણાવ્યા અનુસાર, કંપની પાસે આ નવીનતમ ટેકનોલોજી સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. સરકારી નિયમો ભલે E30 ઇંધણના હોય કે પછી ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પ્રોત્સાહિત કરવાના હોય, કંપની સરકારના દરેક નિર્ણયને સમર્થન આપવા સજ્જ છે. તાજેતરમાં જ એપ્રિલ 2026માં પરિવહન મંત્રાલય દ્વારા E100 ફ્યુઅલને ઓટોમોબાઈલ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે, ત્યારથી આ કારો લોન્ચ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

 

ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો, 100% ઇથેનોલ ફ્રેન્ડલી એન્જિન તૈયાર કરવાનો ખર્ચ સામાન્ય પેટ્રોલ એન્જિન કરતા થોડો વધારે આવે છે. આથી, નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય પેટ્રોલ વેરિઅન્ટની તુલનામાં આ ફ્લેક્સ ફ્યુઅલ કારો થોડી મોંઘી હોઈ શકે છે, જેવી રીતે હાલમાં સીએનજી (CNG) કારો મોંઘી હોય છે. જોકે, ઇથેનોલ સસ્તું હોવાના કારણે લાંબા ગાળે ગ્રાહકોને ઇંધણના ખર્ચમાં બમ્પર બચત થશે. મારુતિ ઉપરાંત આગામી સમયમાં ટાટા મોટર્સ પણ પોતાની લોકપ્રિય એસયુવી 'પંચ' (Tata Punch)નું ફ્લેક્સ ફ્યુઅલ મોડલ લાવવાની તૈયારી કરી રહી છે.

(11:49 PM IST)