હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું હવે અતિ મોંઘું અને કપરું બનશે: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિદેશી અમીરો માટેના 'EB-5 વિઝા'ના નિયમો વધુ કડક કર્યા, લઘુત્તમ રોકાણ વધારીને રૂ. ૧૧.૫ કરોડથી વધુ કરવાનો પ્રસ્તાવ!
યુએસ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ રોકાણકારો માટે ૨0૨૨ ના સુધારા કાયદાને કડક રીતે લાગુ કરવાની તૈયારી કરી; ફરજિયાત બાયોમેટ્રિક્સ, અચાનક સાઇટ ઓડિટ અને છેતરપિંડી રોકવા ૬0 દિવસમાં નવો નિયમ અમલી બનશે

નવી દિલ્હી,: અમેરિકામાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને પરિવાર સાથે કાયમી રહેઠાણ એટલે કે પ્રતિષ્ઠિત ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાની ઈચ્છા રાખતા ભારતીય ઉદ્યોગપતિઓ અને શ્રીમંતો માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ અમેરિકાના પ્રખ્યાત 'EB-5 ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ' માં આમૂલ પરિવર્તન કરતો એક નવો કડક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે વિદેશી રોકાણકારોએ હવે પહેલાં કરતાં કરોડો રૂપિયાનું વધુ રોકાણ કરવું પડશે. આ સાથે જ છેતરપિંડી અને મની લોન્ડરિંગ અટકાવવા માટે અમેરિકન એજન્સીઓ રોકાણના પ્રોજેક્ટ્સ પર તીણી નજર રાખશે.
રોકાણની મર્યાદા $૧.0૫ મિલિયનથી વધારી $૧.૪ મિલિયન કરાશે
૨ જુલાઈના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થનારા આ સત્તાવાર દસ્તાવેજ મુજબ, હાઇ-એમ્પ્લોયમેન્ટ સેક્ટર્સ (ઉચ્ચ રોજગાર ધરાવતા ક્ષેત્રો) અથવા ચોક્કસ પ્રાદેશિક પ્રોજેક્ટ્સ માટે લઘુત્તમ રોકાણની રકમ $૧.0૫ મિલિયન (આશરે ૮.૭ કરોડ રૂપિયા) થી વધારીને સીધી $૧.૪ મિલિયન (આશરે ૧૧.૬ કરોડ રૂપિયાથી વધુ) કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઇમિગ્રેશન કાયદાકીય ફર્મ ફ્રેગોમેનના અહેવાલ અનુસાર, સામાન્ય રોકાણની સરખામણીએ આ થ્રેશોલ્ડ ઘણો ઊંચો છે, જેના કારણે હવે મધ્યમ કક્ષાના રોકાણકારો માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ જેવા થઈ જશે.
શું છે આ EB-5 પ્રોગ્રામ અને શા માટે ભારતીયોમાં છે ક્રેઝ?
EB-5 પ્રોગ્રામ એ અમેરિકા સરકારનો એક એવો વિઝા રૂટ છે જેમાં કોઈ વિદેશી નાગરિક યુએસએમાં નોકરીઓનું સર્જન કરતા કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ કે વાણિજ્યિક વ્યવસાયમાં મોટું રોકાણ કરે, તો તેને અને તેના આશ્રિત પરિવારને સીધા અમેરિકાના કાયમી રહેવાસી (ગ્રીન કાર્ડ) નો દરજ્જો મળી જાય છે. આ કાયદાને ૩0 સપ્ટેમ્બર, ૨0૨૭ સુધી લંબાવવામાં આવ્યો છે, પરંતુ હવે તેમાં મજબૂત દેખરેખના પગલાં ઉમેરાઈ રહ્યા છે.
પૈસા આપવા છતાં ક્લિયરન્સ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન બનશે
નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ રોકાણકારો અને પ્રાદેશિક કેન્દ્રો (Regional Centers) પર પકડ મજબૂત કરવા માટે આ ઔપચારિક પગલાં લેવાશે:
• ફરજિયાત બાયોમેટ્રિક્સ: દરેક રોકાણકારનું કડક સિક્યુરિટી અને બાયોમેટ્રિક વેરિફિકેશન થશે.
• સરપ્રાઈઝ ઓડિટ અને સાઇટ વિઝિટ: અમેરિકન અધિકારીઓ પ્રોજેક્ટના સ્થળે ગમે ત્યારે રૂબરૂ તપાસ (ઓડિટ) કરશે કે ખરેખર ત્યાં નોકરીઓ જનરેટ થઈ રહી છે કે માત્ર કાગળ પર રમત ચાલે છે.
• અરજીઓ આપોઆપ રદ થશે: જો પ્રોજેક્ટમાં નિયમોનું પાલન નહીં થયું હોય અથવા ફંડના સ્ત્રોતમાં કોઈ શંકા જણાશે, તો કાયદા હેઠળ ઇમિગ્રન્ટ રોકાણકારોની ગ્રીન કાર્ડ અરજીઓ કોઈપણ નોટિસ વગર આપમેળે રદ (Cancel) થઈ જશે.
૬0 દિવસનો પબ્લિક નોટિસ પીરિયડ શરૂ
યુએસ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો ૨0૨૨ ના 'EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટિગ્રિટી એક્ટ' ને કાયદાકીય સ્વરૂપ આપવા માટે લાવવામાં આવ્યા છે. આ દરખાસ્ત સત્તાવાર રીતે જાહેર થયા બાદ આગામી ૬0 દિવસ સુધી અમેરિકન નાગરિકો અને હિતધારકો પાસેથી જાહેર ટિપ્પણીઓ તથા પ્રતિભાવો સ્વીકારવામાં આવશે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ કોઈપણ ક્ષણે આ આકરો નિયમ આખરી ઓપ આપીને સમગ્ર અમેરિકામાં લાગુ કરી દેવાશે. નિષ્ણાતોના મતે, આ ફેરફારોથી વિદેશી રોકાણકારોના નાણાં સુરક્ષિત રહેશે પણ સાથે જ ઇમિગ્રેશનની પ્રક્રિયા વધુ જટિલ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
