<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ગાઝિયાબાદમાં ચૂંટણી પૂર્વે મોટો ઉલટફેર: મતદાર યાદીમાંથી 5.74 લાખ નામ આઉટ

SIR ઝુંબેશ બાદ ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણોમાં ભારે ગરમાવો, લોની સહિતની બેઠકો પર મતોનું ગણિત બદલાતા 2027નું જંગ બનશે રોમાંચક: ભાજપ અને વિપક્ષી છાવણીઓમાં નવા વ્યૂહ માટે દોડધામ શરૂ

ગાઝિયાબાદ:ઉત્તર પ્રદેશની આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ગાઝિયાબાદ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી ખાસ સઘન પુનરાવર્તન (SIR) ઝુંબેશના પરિણામોએ રાજકીય પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. જિલ્લાની મતદાર યાદીના શુદ્ધિકરણ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા અધધ 5.74 લાખથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં મતો કપાવાને કારણે જિલ્લાની તમામ બેઠકો પર જૂના રાજકીય સમીકરણો હવે કાગળ પર રહી ગયા છે. ખાસ કરીને જે બેઠકો પર અગાઉની ચૂંટણીમાં હાર-જીતનું અંતર ઓછું હતું, ત્યાં હવે નવા મતદાર લિસ્ટના આધારે ઉમેદવારોએ શૂન્યથી પ્રચાર અને વ્યૂહરચના ઘડવી પડશે.

આ મતદાર કાપની સૌથી વધુ અસર લોની વિધાનસભા બેઠક પર જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 85,000 જેટલા મતોની બાદબાકી થઈ છે. ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવારની સરસાઈમાં 8,676 મતોનો ઘટાડો નોંધાયો હતો, ત્યારે હવે આટલી મોટી સંખ્યામાં મતો કપાતા આગામી ચૂંટણીમાં પરિણામો પલટાઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મતદાર યાદીમાંથી જે નામો દૂર થયા છે તેમાં સ્થળાંતર કરનારા, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે, પરંતુ આ ફેરબદલ સીધી રીતે સત્તાધારી અને વિપક્ષી પક્ષોના વોટબેંકના ગણિતને વેરવિખેર કરી નાખશે.

SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ગાઝિયાબાદની પાંચેય વિધાનસભા બેઠકો પર રાજકીય યુદ્ધ વધુ રોમાંચક બનવાની તૈયારીમાં છે. એક તરફ ભાજપ પોતાની પરંપરાગત વોટબેંકને જાળવી રાખવા માટે કવાયત કરી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષી પક્ષો પણ કટ થયેલા મતોના ડેટાનો અભ્યાસ કરીને પોતાની રણનીતિ બદલી રહ્યા છે. મતદાર યાદીમાં થયેલા આ ફેરફારને કારણે હવે ઉમેદવારો માટે એક-એક મતના મૂલ્યમાં વધારો થયો છે. આગામી 2027ના મહાસંગ્રામમાં ગાઝિયાબાદ જિલ્લામાં કયો પક્ષ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો મતદાર યાદીના આ ‘સર્જરી’એ નેતાઓની ચિંતામાં અનેકગણો વધારો કરી દીધો છે.

(11:43 AM IST)