તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
૧૮૦ કિમીની ઝડપે ત્રાટકવા તૈયાર દૈત્યાકાર 'તોફાન નંબર ૩૨': આગામી ૪૮ કલાક માટે ભારે તારાજીની આશંકા
પેસેફિક મહાસાગરમાં ઉઠેલા ભયાનક વાવાઝોડાને પગલે લોકો ઘરોમાં કેદ; હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જારી કરાયું

ટોક્યો : આગામી ૪૮ કલાકમાં એક અત્યંત દૈત્યાકાર તોફાન તબાહી મચાવવા માટે આગળ વધી રહ્યું છે અને ચક્રવાતી તોફાન નંબર ૩૨ પોતાના માર્ગમાં આવનાર તમામ વસ્તુઓને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ભયાનક જોખમને ધ્યાનમાં રાખીને પેસેફિક મહાસાગરના પ્રભાવિત ક્ષેત્રોમાં લોકોએ પોતાને ઘરોમાં કેદ કરવાનું શરૂ કરી દીધું છે તથા જીવન જરૂરિયાતી વસ્તુઓ જેવી કે રાશન, પાણી અને દવાઓનો મોટો સ્ટોક જમા કરવામાં આવી રહ્યો છે. આ વાવાઝોડું ૧૮૦ કિમીની ઝડપે ફૂંકાઈને મકાનોની છતો પણ ઉડાડી દેવાની શક્તિ ધરાવે છે, જેના સામે બાથ ભીડવા માટે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રએ પણ કમર કસી લીધી છે.
શું છે ટાઇફૂન નંબર ૩૨? તે અંગે વાત કરીએ તો પેસેફિક મહાસાગરમાં આ તોફાન હવે એક ભયંકર દૈત્ય રૂપ ધારણ કરી રહ્યું છે, જેના પર હવામાન વિભાગ અને વૈજ્ઞાનિકો ઉપગ્રહ દ્વારા સતત નજર રાખી રહ્યાં છે અને તેની પ્રચંડ શક્તિ જોઈને મોટા-મોટા એક્સપર્ટ્સના પણ હાજા ગગડી ગયા છે. આ શક્તિશાળી વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં લગભગ ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તેમાં આશરે ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ રહ્યાં છે. તેનું કેન્દ્રીય વાતાવરણીય દબાણ ઘટીને ૯૭૦ હેક્ટોપાસ્કલ થઈ ગયું છે, જે આ વાતનો સીધો સંકેત આપે છે કે આ વાવાઝોડું અંદરથી વધુ શક્તિશાળી અને અત્યંત ખતરનાક બની ચૂક્યું છે.
આ અતિ ગંભીર પરિસ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ ચેતવણીઓ જારી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અગાઉના આવા ભયાનક વાવાઝોડાના અનુભવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ સજ્જ રાખવામાં આવી છે જેથી કોઈપણ આપત્તિના સમયે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરી શકાય.
આગામી સમયમાં આ તોફાન જમીની વિસ્તાર સાથે અથડાયા બાદ તેની ગતિ અને અસરોમાં ફેરફાર થઈ શકે છે, જેને લઈને હવામાન વૈજ્ઞાનિકો સતત રડાર અને સેટેલાઇટ અપડેટ્સ પર નજર રાખી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી આ કુદરતી આફત સામે સુરક્ષિત રહીને ઓછામાં ઓધું નુકસાન થાય તે સુનિશ્ચિત થઈ શકે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
