તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
છોકરો રૂ.૨૫ લાખ કમાતો તોય યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી
યુવકની કેટલીક એવી અપેક્ષાઓ હતી, જેની સાથે યુવતી સહમત નહોતી

નવી દિલ્હી તા.૨૩: આજના સમયમાં અરેન્જ મેરેજ માટે યોગ્ય જીવનસાથી શોધવો પહેલાં જેટલો સરળ રહ્યો નથી. પહેલાં લગ્નની વાતચીતમાં યુવકની નોકરી, કમાણી, પરિવાર અને કુંડળીને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. જોકે, હવે યુવાનો પોતાની પસંદગી, સ્વતંત્રતા અને જીવનશૈલીને પણ એટલી જ પ્રાથમિકતા આપે છે. તેઓ માત્ર સારા પગારના આધારે લગ્ન જેવો મોટો નિર્ણય લેવા તૈયાર નથી. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે લગ્ન અને સંબંધોને લઈને નવી ચર્ચા શરૂ કરી છે.
ટ્વિટર પર @Kriticalં૬૨ નામના યુઝરે અરેન્જ મેરેજ સાથે જોડાયેલો પોતાનો અનુભવ શેર કર્યો છે. યુવતીએ જણાવ્યું કે તેણે વાર્ષિક રૂ.૨૫ લાખ કમાતા યુવકનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ખાસ વાત એ હતી કે તેને યુવકની કમાણી સામે કોઈ વાંધો નહોતો. યુવતીના જણાવ્યા અનુસાર, તે પોતે પણ આટલી કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી માત્ર ઊંચા પગારના આધારે તે લગ્ન માટે હા પાડવા માગતી નહોતી.
યુવતીના જણાવ્યા મુજબ, યુવકની કેટલીક અપેક્ષાઓ તેની વિચારસરણી અને ભવિષ્યની યોજનાઓ સાથે મેળ ખાતી નહોતી. યુવક ઇચ્છતો હતો કે, લગ્ન પછી તેની પત્ની દિવસમાં બે વખત ભોજન બનાવે. આ ઉપરાંત તે પોતાનાં માતા-પિતા સાથે એક જ ઘરમાં રહેવા માગતો હતો, જ્યારે યુવતી આ વ્યવસ્થાને લઈને સહજ નહોતી. પોસ્ટમાં યુવકની ઊંચાઈ ૫ ફૂટ ૮ ઇંચ હોવા, ભવિષ્યમાં વાળ ખરવાની શક્યતા અને પોતે માતાની ખૂબ નજીક એટલે કે 'મમાઝ બોય' હોવા જેવી બાબતોનો પણ ઉલ્લેખ કરાયો હતો.
આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક યુઝર્સે યુવતીના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે લગ્ન પહેલાં પોતાની પસંદગી અને મર્યાદાઓ સ્પષ્ટ કરવી યોગ્ય છે. જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે યુવકે પોતાની અપેક્ષાઓ પહેલેથી જ જણાવી દીધી હતી, જે પારદર્શિતાની નિશાની છે. રસોઈ બનાવવાની અને પરિવાર સાથે રહેવાની શરતો અંગે પણ લોકોએ રમૂજી પ્રતિક્રિયાઓ આપી હતી.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
