તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
વૈશ્વિક બ્રોકરેજ બર્નસ્ટાઇનનો વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર : ભારત માત્ર ટેકનોલોજીનો યૂઝર બનીને રહી જશે તેવી ગંભીર ચેતવણી
ખેતીથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના ૮ મહત્વના ક્ષેત્રોમાં ખામીઓ તરફ અંગુલીનિર્દેશ : સબસિડી પર નિર્ભરતા અને ધીમા સુધારા ભારતને નીચી ઉત્પાદકતાના ચક્રમાં ધકેલી શકે છે

નવી દિલ્હી: વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટાઇન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અત્યંત મહત્વનો અને સ્પષ્ટ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં વિશ્લેષકો વેણુગોપાલ ગરે અને નિખિલ અરેલાએ ચેતવણી આપી છે કે જો ભારત સબસિડી, વિલંબિત સુધારા અને ક્રમશઃ આગળ વધવાની નીતિ પર જ નિર્ભર રહેશે, તો તે આગામી ટેકનોલોજીના મોજામાં ડ્રાઈવર બનવાને બદલે માત્ર એક ગ્રાહક (યૂઝર) બનીને રહી જશે. બર્નસ્ટાઇને ભારતના આગામી દાયકા માટે જોખમ અને તકોના સંદર્ભમાં ૮ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.
૧. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): કાયમી ગ્રાહક બનવાનું જોખમ:
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત પોતાને ડેટા સેન્ટર હબ તરીકે રજૂ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આ ક્ષેત્રમાં મોટાપાયે આયાત નિર્ભરતા છે. ભારત પાસે અમેરિકા કે ચીન જેવા પોતાના 'ફ્રન્ટિયર એઆઈ મોડલ્સ' નથી. જો ભારત ડેટાના આધારે પોતાના મોડલ્સ નહીં બનાવે, તો તે એઆઈ અર્થતંત્રમાં માત્ર ગ્રાહક બની જશે. બર્નસ્ટાઇને ચીન જેવી પ્રોટેક્શનિસ્ટ (રક્ષણાત્મક) નીતિ અપનાવવા અને ગ્લોબલ ટેક કંપનીઓને ભારતમાં લિસ્ટ થવા દબાણ કરવા સૂચન કર્યું છે.
૨. કૃષિ ક્ષેત્ર: ૩-૪ ટ્રિલિયન રુપિયાની સબસિડી અને સુધારાની જરૂરિયાત:
ભારતના ૪૨-૪૫% શ્રમિકો ખેતીમાં છે, જે જીડીપીમાં માત્ર ૧૫-૧૬% હિસ્સો આપે છે. ખેતી ક્ષેત્ર લોન માફી અને ઇનપુટ સબસિડી પર ચાલી રહ્યું છે જે કોઈ કાયમી ઉકેલ નથી. વાર્ષિક ૩ થી ૪ ટ્રિલિયન રુપિયાની વીજળી અને ખાતરની સબસિડી ધીમે ધીમે ઘટાડીને સિંચાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવાની જરૂર છે. ખેડૂત કાયદાઓ પર ફરીથી વિચારણા કરી નવા અભિગમ સાથે સુધારા લાવવાની ભલામણ કરાઈ છે.
૩. ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનો - ઓટો કંપનીઓને પીએલઆઈની જરૂર નથી:
બ્રોકરેજે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે મોટી ઓટો કંપનીઓ રોકડથી સમૃદ્ધ હોવા છતાં પીએલઆઈ (PLI) સબસિડી લે છે અને હજુ પણ બેટરી સેલ ચીનથી આયાત કરે છે. સરકારે આ કંપનીઓને ટેકનોલોજી અને સંશોધન માટે જવાબદાર ઠેરવવી જોઈએ. જો કોઈ કંપની પીએલઆઈ માંગે તો સરકારે તેમાં હિસ્સેદારી લેવી જોઈએ. સાથે જ આઈસીઈ (ICE) વાહનોને તબક્કાવાર બંધ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી જોઈએ.
૪. ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ): માત્ર હેતુ છે, ઊંડાઈ નથી:
મેન્યુફેક્ચરિંગનો જીડીપીમાં હિસ્સો હજુ પણ ૧૬-૧૭% પર અટકેલો છે. ભારત અન્ય દેશોની સરખામણીએ દાયકાઓ મોડું ઉદ્યોગોમાં પ્રવેશ કરે છે. હવે રોબોટિક્સ, ઓટોમેશન અને એડવાન્સ્ડ મટીરિયલ્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં વૈશ્વિક સપ્લાય ચેઈન બને તે પહેલા જ ભારતે મજબૂત પકડ બનાવવી પડશે.
૫. પરિવહન - રેલ્વે કરતાં એવિએશન પર વધુ ભાર:
ભારતે રેલ્વેમાં રોકાણ કરવાને બદલે એવિએશન (હવાઈ મુસાફરી) પર વધુ ધ્યાન આપ્યું છે. દેશમાં માત્ર એક જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેની ગતિ ધીમી છે. જો મેટ્રો, બસ અને રેલ્વેને બદલે કાર અને પ્લેનને મહત્વ અપાશે તો ભવિષ્યમાં પરિવહન વ્યવસ્થા મોંઘી અને ભીડભાડ વાળી બની જશે.
૬. કેશ ટ્રાન્સફર વિરુદ્ધ કેપેક્સ - ગ્રોથ ખરીદવાનો મોંઘો રસ્તો:
વિવિધ રાજ્યોમાં મહિલાઓ અને અન્ય વર્ગોને અપાતા બિનશરતી રોકડ ટ્રાન્સફર (Cash Transfers) પર બ્રોકરેજે ટીકા કરી છે. જીડીપીના ૦.૫% જેટલો ખર્ચ આ યોજનાઓમાં થાય છે. રોકાણ માટે ભૂખ્યા ઉભરતા અર્થતંત્ર માટે મતો મેળવવા રોકડ વહેંચવી એ વિકાસ ખરીદવાનો ખૂબ જ મોંઘો અને બિનઉત્પાદક રસ્તો છે.
૭. સંશોધન (R&D) અને પ્રતિભા - ખર્ચમાં ઘટાડો:
ભારતની મહત્વાકાંક્ષાઓ મોટી છે પરંતુ જીડીપીના માત્ર ૦.૬ થી ૦.૭% જ સંશોધન પાછળ ખર્ચાય છે, જે વૈશ્વિક સ્તરે અત્યંત ઓછું છે. ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં મેરિટના આધારે ભરતી અને વૈશ્વિક પ્રતિભાઓને આકર્ષવા પર ભાર મૂકવો અનિવાર્ય છે.
૮. ટેક્સેશન અને સરકારી ક્ષમતા - ઉંચો બોજ, નબળી સેવાઓ:
ભારતમાં કરદાતાઓ પર ટેક્સનો બોજ ઓછો નથી, પરંતુ તે સામે જાહેર આરોગ્ય, શિક્ષણ અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા નબળી છે. ટેક્સનો વ્યાપ વધારવા માટે રાજકીય, ધાર્મિક અને રમતગમતની સંસ્થાઓને મળતી કરમુક્તિ દૂર કરવી જોઈએ. જ્યારે સામાન્ય નાગરિકોને સુવિધાઓમાં સુધારો દેખાશે ત્યારે જ કર અનુપાલનમાં વિશ્વાસ વધશે.
બર્નસ્ટાઇને અંતે પ્રશ્ન કર્યો છે કે, ભારતનો આગામી વિકાસનો તબક્કો એન્જિનિયરો અને ઈનોવેટર્સ પેદા કરશે કે માત્ર ડિલિવરી બોયઝ અને ડ્રાઈવરો? તેનો જવાબ જ ભારતની સાચી ક્ષમતા નક્કી કરશે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
