તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
તિહાર જેલમાંથી મ્યાનમાર ડ્રોન હુમલાનું ગ્લોબલ કાવતરું છતું: NIAએ દિલ્હી કોર્ટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, યુએસ ભાડૂતી સૈનિક અને ૧૪ યુક્રેનિયનોનો બળવાખોરો સાથે તાર જોડાયેલો હોવાનો દાવો
મિઝોરમ બોર્ડરથી ગેરકાયદે ભારતમાં ઘૂસેલા અમેરિકી નાગરિક મેથ્યુ વાન ડાઇક અને યુક્રેનિયન ગેંગની તિહારમાં પૂછપરછ: મ્યાનમાર એરલાઇન્સ પર FPV કામિકાઝ ડ્રોન એટેક અને ભારતમાં આતંકી કાવતરાંની તપાસ તેજ

નવી દિલ્હી, તા.૦૪: તિહાર જેલમાં બંધ કેદીઓના તાર મ્યાનમારમાં થયેલા એક ભયાનક આંતરરાષ્ટ્રીય ડ્રોન હુમલા સાથે જોડાયેલા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કર્યો છે. માર્ચ મહિનામાં મિઝોરમ સરહદ પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરવા બદલ પકડાયેલા અમેરિકન ભાડૂતી સૈનિક (મર્સનરી) મેથ્યુ વાન ડાઇક અને યુક્રેનિયન નાગરિકો મ્યાનમારમાં નાગરિક વિમાન પર થયેલા ડ્રોન હુમલામાં અને આતંકવાદી નેટવર્ક ઊભું કરવામાં સીધા સામેલ હતા. NIA ની અરજી મંજૂર કરીને ખાસ કોર્ટે તિહાર જેલમાં બંધ આ વિદેશી આરોપીઓની આકરી પૂછપરછ કરવાની પરવાનગી આપી દીધી છે.
NIA ના રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય કાવતરાના ભાગરૂપે ઓછામાં ઓછા ૧૪ યુક્રેનિયન નાગરિકો ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા અને ગુવાહાટી થઈને મિઝોરમ પહોંચ્યા હતા. ત્યાંથી પરમિટ વગર ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં ઘૂસીને તેમણે મ્યાનમારની લશ્કરી સરકાર (જુન્ટા) સામે લડી રહેલા સ્થાનિક બળવાખોર જૂથો (EAGs) ને ડ્રોન એસેમ્બલી, જામિંગ ટેકનોલોજી અને ડ્રોન યુદ્ધની પ્રોફેશનલ તાલીમ આપી હતી. આ જ નેટવર્કે મ્યાનમાર નેશનલ એરલાઇન્સના ATR-72-600 પેસેન્જર વિમાન પર બે FPV કામિકાઝ (આત્મઘાતી) ડ્રોન વડે હુમલો કર્યો હતો. RPG વોરહેડ્સથી સજ્જ આ ડ્રોન હુમલામાં વિમાનના નાક, બોડી અને પૂંછડીના ભાગને મોટું નુકસાન થયું હતું.
તપાસ એજન્સીને જપ્ત કરાયેલા મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોમાંથી હુમલા અને તાલીમ સંબંધિત અત્યંત સંવેદનશીલ વિડિયો, ફોટોગ્રાફ્સ અને વોઈસ સેમ્પલ્સ મળ્યા છે. મેથ્યુ વાન ડાઇક મોડ્યુલ દ્વારા સ્થાનિક બળવાખોરોને ડ્રોન પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જૂથ ભારતની અંદર પણ આતંકવાદી પ્રવૃત્તિઓ અને અસ્થિરતા ફેલાવવાનું મોટું કાવતરું ઘડી રહ્યું હતું. હાલમાં NIA તમામ ડિજિટલ પુરાવાના આધારે આ આંતરરાષ્ટ્રીય ડ્રોન સિન્ડિકેટનું ઊંડું વિશ્લેષણ કરી રહી છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
