<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

વૈશ્વિક સંકેત અને આક્રમક વેચવાલીના દબાણે સોના ચાંદીના ભાવમાં જોરદાર ગાબડાં

ઊંચા વૈશ્વિક વ્યાજદરો અને મજબૂત ડૉલરના કારણે બજારમાં તદ્દન વિપરીત માહોલ:મોટા પાયે નફારૂપી વેચવાલીને પગલે ભાવમાં કડાકો

અમદાવાદ :વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને આક્રમક વેચવાલીના દબાણ હેઠળ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ગાબડા પડ્યા છે  ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે કિંમતી ધાતુઓ સુરક્ષિત રોકાણ ગણાતી હોય છે, પરંતુ હાલના તબક્કે ઊંચા વૈશ્વિક વ્યાજદરો અને મજબૂત ડૉલરના કારણે બજારમાં તદ્દન વિપરીત માહોલ સર્જાયો છે

 . રોકાણકારો દ્વારા મોટા પાયે નફારૂપી વેચવાલી હાથ ધરાતાં શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીમાં જોરદાર કડાકો બોલાયો હતો, જ્યારે સોનાના વાયદામાં પણ ભારે નરમાઈ જોવા મળી હતી.

   MCX પર 30 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં 4 ડિસેમ્બર 2026 વાયદાની ચાંદી તેના અગાઉના બંધ ભાવ (1,89,453 રૂપિયા)ની સરખામણીએ 9,123 રૂપિયા (4.82 ટકા) ઘટીને 1,80,330 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી. આજના સત્રમાં ચાંદી 1,87,777 રૂપિયા પર ખૂલી હતી, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ 1,89,453 રૂપિયા રહ્યો હતો. કારોબાર દરમિયાન આ વાયદો ઊંચામાં 1,88,272 રૂપિયા અને તૂટીને નીચામાં 1,79,480 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો, જેના પરિણામે આજના જ સત્રમાં ચાંદીના ભાવમાં હાઈથી લો વચ્ચે 8,792 રૂપિયાની તોતિંગ ઉથલ-પાથલ જોવા મળી હતી. ચાલુ વર્ષે 4,20,000 રૂપિયાની ઐતિહાસિક સપાટી સ્પર્શ્યા બાદ ચાંદી માત્ર 10 મહિનામાં લગભગ 2,40,000 રૂપિયા ઘટીને હવે 1,80,000 રૂપિયાના સ્તરે આવી ચૂકી છે.

MCX પર 30 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 7:30 વાગ્યે 4 ડિસેમ્બર 2026 વાયદાનું સોનું તેના પાછલા બંધ ભાવ (1,42,596 રૂપિયા)ની સામે 3,276 રૂપિયા (2.30 ટકા) તૂટીને 1,39,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોનું આજે 1,42,225 રૂપિયા પર ઓપન થયું હતું, જે અગાઉના સત્રમાં 1,42,596 રૂપિયા પર બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં 1,42,574 રૂપિયાનું ઉચ્ચતમ સ્તર અને દબાણ હેઠળ નીચામાં 1,38,458 રૂપિયાનું નીચલું સ્તર નોંધાવ્યું હતું, આમ સોનાના કારોબારમાં દિવસ દરમિયાન ઉપલા અને નીચલા સ્તર વચ્ચે 4,116 રૂપિયાની મોટી વધ-ઘટ નોંધાઈ હતી.

(9:02 PM IST)