News of Wednesday, 18th November 2026
વૈશ્વિક ડિજિટલ જગત પર મોટો સાયબર હુમલો : બીબીસી, એર ફ્રાન્સ, આઈકિયા અને એચએસબીસી સહિત અંદાજે ૨૦૦ પ્રતિષ્ઠિત વેબસાઇટ્સ નિશાના પર
હેકર્સે ઓપ્ટિમાઇઝલી પ્લેટફોર્મના ટૂલ્સમાં દૂષિત જાવાસ્ક્રિપ્ટ કોડ દાખલ કરી યુઝર્સના ક્રેડિટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને એપલ ઉપકરણોને નિશાન બનાવ્યા : બીજી તરફ અમેરિકામાં સતત પાંચમા દિવસે એપલની વિવિધ સેવાઓ, જીમેલ અને માઇક્રોસોફ્ટ આઉટલુકમાં વ્યાપક ટેકનિકલ આઉટેજથી કરોડો યુઝર્સ પરેશાન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે એક અત્યંત ગંભીર સાયબર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં બીબીસી, એચએસબીસી યુએઈ બેંક, એર ફ્રાન્સ અને આઈકિયા સહિત વિશ્વની અંદાજે ૨૦૦ જેટલી મોટી વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી છે. નિષ્ણાત મીડિયાના અહેવાલો અનુસાર, સાયબર ગુનેગારોએ વપરાશકર્તાઓની નાણાકીય માહિતી ચોરવા અને એપલના ઉપકરણોને ચેપગ્રસ્ત કરવાના ઈરાદાથી આ હુમલો કર્યો હતો. સાયબર ન્યૂઝના જણાવ્યા મુજબ, હેકર્સે ઓપ્ટિમાઇઝલી નામના ડિજિટલ પ્લેટફોર્મ પર હોસ્ટ કરાયેલા ટૂલ્સમાં દૂષિત જાવાસ્ક્રિપ્ટ કોડ ઇન્જેક્ટ કર્યો હતો, જેના કારણે અંદાજે ૧૭૮ જેટલી વેબસાઇટ્સ પ્રભાવિત થઈ હતી.
સિક્યોરિટી રિસર્ચર સ્કોટ હેલ્મે દ્વારા હેકિંગનો પર્દાફાશ:
આ સમગ્ર સાયબર હુમલાનો સૌપ્રથમ પર્દાફાશ કરનાર સુરક્ષા સંશોધક સ્કોટ હેલ્મેએ સોમવારે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે પ્રભાવિત થયેલી વેબસાઇટ્સની યાદીમાં વિશ્વની સૌથી વધુ મુલાકાત લેવાતી સાઇટ્સ જેવી કે ઝૂમ, બીબીસી, સીએનએન, સેલ્સફોર્સ, ગિટલેબ, આઈકિયા, એચએસબીસી (યુએઈ), ઇક્વિફેક્સ, એર ફ્રાન્સ-કેએલએમ, લેજર અને પીકોકનો સમાવેશ થાય છે. હેકર્સનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સના ક્રેડિટ કાર્ડ નંબર અને ક્રિપ્ટોકરન્સીની ચોરી કરવાનો તેમજ એપલ ઉપકરણોમાં ખાસ કોડ અપલોડ કરીને તેનો દુરુપયોગ કરવાનો હતો. સંશોધકના જણાવ્યા અનુસાર, ૧૬ નવેમ્બરના રોજ માત્ર નવ કલાકના ગાળામાં હુમલાખોરોના ક્રિપ્ટો વોલેટમાં અંદાજે ૭,૦૪૦ ડોલર જમા થયા હતા. જોકે, મોટાભાગની અસરગ્રસ્ત સાઇટ્સ પરથી આ દૂષિત કોડ દૂર કરી દેવામાં આવ્યો છે.
ઓપ્ટિમાઇઝલીની સત્તાવાર સ્પષ્ટતા:
આ ઘટના અંગે ઓપ્ટિમાઇઝલીએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કંપનીએ કેટલાક ઓપ્ટિમાઇઝલી વેબ એક્સપેરિમેન્ટેશન ગ્રાહકોને અસર કરતી સુરક્ષા ઘટનાને ઓળખીને તેને નિયંત્રિત કરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે સંવેદનશીલ માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો છે, ઇન્જેક્ટ કરાયેલો દૂષિત કોડ દૂર કરાયો છે અને તમામ ગ્રાહકોનો સીધો સંપર્ક કરવામાં આવ્યો છે.
અમેરિકામાં સતત પાંચમા દિવસે વ્યાપક ડિજિટલ આઉટેજ, એપલ અને માઇક્રોસોફ્ટ સેવાઓ ઠપ:
બીજી તરફ, અમેરિકામાં સતત પાંચમા દિવસે જાણીતી ડિજિટલ પ્રોડક્ટ્સ અને ઓનલાઈન સેવાઓમાં મોટા પાયે આઉટેજ જોવા મળી રહ્યો છે, જેની પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. વપરાશકર્તાઓ દ્વારા જીમેલ, મેરિયોટ, માઇક્રોસોફ્ટ આઉટલુક અને માઇક્રોસોફ્ટ ૩૬૫ જેવી મુખ્ય સેવાઓ ઠપ થઈ હોવાની વ્યાપક ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત ડાઉન ડિટેક્ટરના અહેવાલ મુજબ, એપલની પણ અનેક સિસ્ટમ્સમાં એકસાથે ખામી સર્જાઈ છે. જેમાં એપલ સપોર્ટ, એપ સ્ટોર, આઈક્લાઉડ, એપલ પે, એપલ કાર્ડ, એપલ બિઝનેસ મેનેજર, એપલ મ્યુઝિક, સાઇન ઇન વિથ એપલ, એપલ આઈડીમાં સાઇન ઇન કરવું તેમજ ફોન અને મેક એક્ટિવેશન જેવી મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ જતાં કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
