<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં ગતિરોધથી વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરું બન્યું : યુરોપિયન યુનિયન ઈરાન પર લાદશે અત્યંત કડક પ્રતિબંધો

હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર ઠપ થતાં દુનિયાભરમાં તેલ-ગેસના પુરવઠા બાબતે ચિંતા વધી : દરરોજ પસાર થતા ૧૪૦ જહાજોની સામે ૨૪ કલાકમાં માત્ર ૩ ટેન્કર માંડ નીકળ્યા : ઈયુએ નૌકાદળ મિશન મજબૂત કરવા કરી જાહેરાત

લક્ઝમબર્ગ : અમેરિકા અને ઈરાન વચ્ચેનો બે સપ્તાહનો યુદ્ધવિરામ હવે અંતિમ તબક્કામાં છે, પરંતુ નવી મંત્રણા અંગે સર્જાયેલી અનિશ્ચિતતાએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે કરોડરજ્જુ સમાન ગણાતા હોર્મુઝના જળમાર્ગમાં શિપિંગ પ્રવૃત્તિઓ લગભગ સંપૂર્ણપણે સ્થગિત થઈ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપિયન યુનિયન (EU) એ હોર્મુઝ માર્ગને અવરોધવા માટે જવાબદાર પક્ષો વિરુદ્ધ અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાદવાની સત્તાવાર ચેતવણી આપી છે.

 

યુરોપિયન યુનિયનનો કડક વલણ અને નૌકાદળ મિશન:

લક્ઝમબર્ગમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા કાજા કાલાસે જણાવ્યું હતું કે, ઈરાન પરના પ્રતિબંધોને વધુ કડક બનાવવા માટે તમામ મંત્રીઓ સહમત થયા છે. આ નવા પ્રતિબંધોમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓને નિશાન બનાવવામાં આવશે જેઓ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ માર્ગને બંધ કરવામાં સંડોવાયેલા છે. કાલાસે મધ્ય-પૂર્વમાં EU ના નૌકાદળ મિશનને વધુ શક્તિશાળી બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે, જે હાલમાં લાલ સમુદ્રમાં હુતી બળવાખોરોના હુમલા સામે જહાજોને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે.

 

હોર્મુઝ માર્ગ પર બંને દેશોની નાકાબંધી:

વર્તમાન સ્થિતિ મુજબ, અમેરિકા અને ઈરાન બંનેએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરી છે. અમેરિકાએ ઈરાની બંદરો પર પ્રતિબંધ લાદતા તેહરાન ઉશ્કેરાયું છે અને વળતા પ્રહાર તરીકે ઈરાને હોર્મુઝ માર્ગ પર પરિવહન અટકાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વના કુલ તેલ અને એલએનજી (LNG) પુરવઠાનો પાંચમો ભાગ આ જળમાર્ગ પરથી પસાર થાય છે. શુક્રવારે ઈરાને થોડા સમય માટે આ માર્ગ ખોલતા એક ડઝન ટેન્કર પસાર થયા હતા, પરંતુ શનિવારે ફરી માર્ગ બંધ કરી જહાજો પર ફાયરિંગની ઘટનાઓ સામે આવતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

 

જહાજોની અવરજવરમાં રેકોર્ડબ્રેક ઘટાડો:

શિપિંગ ડેટા અનુસાર, મંગળવારે છેલ્લા ૨૪ કલાકમાં હોર્મુઝ માર્ગ પરથી માત્ર ૩ જહાજો પસાર થઈ શક્યા છે. સામાન્ય દિવસોમાં અહીંથી દરરોજ સરેરાશ ૧૪૦ જહાજોની અવરજવર રહેતી હતી. રોયટર્સના રિપોર્ટ મુજબ, 'ઈયાન સ્પિર' નામનું પ્રોડક્ટ ટેન્કર, 'લિયાન સ્ટાર' કાર્ગો જહાજ અને 'મેડા' એલપીજી ટેન્કર અલગ-અલગ સમયે કોઈક રીતે આ માર્ગ પાર કરવામાં સફળ રહ્યા હતા. આ માર્ગ બંધ રહેવાથી તેલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિએ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે.

(11:40 PM IST)