તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026: મુંબઈ બનશે 'વૈશ્વિક ફિનટેક ઈનોવેશનનું હબ', મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું એલાન!
મહારાષ્ટ્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને ક્વાન્ટમ ટેક્નોલોજીના પરીક્ષણ માટે વર્લ્ડ-ક્લાસ ટેસ્ટબેડ ઊભું કરાશે; ન્યૂયોર્ક અને લંડનની હરોળમાં સ્થાન મેળવવાનો સંકલ્પ

મુંબઈ : ભારતની નાણાકીય રાજધાની મુંબઈ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ ના સાતમા એડિશનના એક્સ્પોનું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેમણે દેશ-વિદેશની ફિનટેક કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નવીનતમ ટેક્નોલોજી અને ડિજિટલ પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પરથી સંબોધન કરતા મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રને વિશ્વના ફિનટેક ઈનોવેશનનું સૌથી મોટું 'રિયલ-વર્લ્ડ ટેસ્ટબેડ' બનાવવા માટે રાજ્ય સરકારની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પરંપરાગત નાણાકીય કેન્દ્રોથી આગળ નીકળતું મુંબઈ:
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે હવે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા માત્ર ન્યૂયોર્ક, લંડન કે સિંગાપોર જેવા પરંપરાગત શહેરો સુધી મર્યાદિત રહી નથી. ભારત નવી નાણાકીય ટેક્નોલોજીના વિકાસ અને તેને મોટા પાયે અમલમાં મૂકવા માટે વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. તેમણે ટેક્નોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સને ખુલ્લું આમંત્રણ આપતાં કહ્યું કે, "તમે નાણાકીય ક્ષેત્રની જટિલ સમસ્યાઓના ઉકેલ લઈને મહારાષ્ટ્ર આવો, અમારી સરકાર તમારી સાથે મળીને નવી ટેક્નોલોજી વિકસાવવા અને તેનું વાસ્તવિક વાતાવરણમાં પરીક્ષણ કરવા પૂરો સાથ આપશે."
એઆઈ, ટોકનાઈઝેશન અને ક્વાન્ટમ ટેક્નોલોજી પર ભાર:
'પોટેન્શિયલ ટૂ ઈમ્પૅક્ટ' થીમ હેઠળ યોજાયેલા આ ફેસ્ટમાં ફડણવીસે એજન્ટિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને ક્વાન્ટમ ટેક્નોલોજી જેવી નવી પેઢીની ટેક્નોલોજી પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે ટેક્નોલોજીની ક્ષમતા માત્ર કાગળ પર રહેવાને બદલે સામાન્ય ગ્રાહકો અને વ્યવસાયો માટે ઉપયોગી બને તે જરૂરી છે. AI આધારિત નાણાકીય નિર્ણયો લેતી વખતે જવાબદારી, પારદર્શિતા અને ગ્રાહકોના વિશ્વાસની જાળવણી કરવી અનિવાર્ય છે.
ડિજિટલ પેમેન્ટ ક્રાંતિથી સામાન્ય માનવી સુધી પહોંચ:
ભારતની ફિનટેક સફળતા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દેશમાં આવેલી ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ માત્ર ટેક્નોલોજીના કારણે નથી, પરંતુ નાણાકીય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસોને કારણે શક્ય બની છે. મુંબઈનું મજબૂત ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આગામી સમયમાં સમગ્ર વિશ્વ માટે એક નવી દિશા નક્કી કરશે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
