News of Thursday, 9th July 2026
વૈશ્વિક મંચ પર ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો વધુ મજબૂત : બંને દેશો વચ્ચે પરમાણુ ઊર્જા, સંરક્ષણ અને વ્યૂહાત્મક ખનિજો સહિત કુલ ૧૮ ઐતિહાસિક કરારો સંપન્ન
મેલબોર્નમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાયેલી શિખર વાર્તામાં ચીનના સબમરીન પરીક્ષણ વચ્ચે હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા મજબૂત કરવા પર ભાર : ભારતને યુરેનિયમનો સપ્લાય મળશે

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે નાગરિક પરમાણુ ઊર્જા, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક ખનિજો (ક્રિટિકલ મિનરલ્સ) જેવા અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ૧૮ જેટલા ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. મેલબોર્ન ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાયેલી વાર્ષિક શિખર બેઠક દરમિયાન આ નિર્ણયો લેવાયા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આ પરમાણુ કરાર ભારતના સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) તરફના સંક્રમણને વધુ વેગ આપશે અને દેશની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરશે.
આ શિખર વાર્તા દરમિયાન બંને દેશોના વડાપ્રધાનોએ હિંદ-પ્રશાંત (ઇન્ડો-પેસિફિક) ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને મુક્ત વાતાવરણ જાળવી રાખવા માટે દ્વિપક્ષીય ભાગીદારીની ભૂમિકાને ખૂબ જ મહત્વની ગણાવી હતી. ખાસ કરીને ચાલુ સપ્તાહમાં ચીન દ્વારા સબમરીન પરથી છોડવામાં આવતી લાંબી રેન્જની બેલિસ્ટિક મિસાઈલના કરાયેલા પરીક્ષણને પગલે પ્રાદેશિક સ્તરે વધેલી ચિંતાઓ વચ્ચે, ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ સંબંધોને ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં વ્યાપક બનાવવાનો મોટો નિર્ણય લીધો છે.
આ બેઠકનું સૌથી મોટું આકર્ષણ સિવિલ ન્યુક્લિયર એનર્જી એટલે કે નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે થયેલો કરાર છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયા હવે ભારતના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સ માટે વ્યાપારી ધોરણે યુરેનિયમનો સપ્લાય કરી શકશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ ૨૦૧૪ માં ઐતિહાસિક પરમાણુ સહયોગ કરાર થયો હતો, જે બાદ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી સઘન વાટાઘાટોના અંતે આ આખરી વ્યાપારી સમજૂતી શક્ય બની છે. આનાથી વૈશ્વિક સપ્લાય ચેઈનને વૈવિધ્યપૂર્ણ બનાવવામાં મોટી મદદ મળશે.
બંને દેશો વચ્ચે જે ૧૮ મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પરનું સંયુક્ત જાહેરનામું, મેરિટાઇમ સિક્યુરિટી (દરિયાઈ સુરક્ષા) સહયોગ રોડમેપ, ઊર્જા સુરક્ષા અંગેનું સંયુક્ત નિવેદન, તેમજ સાયબર, ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈન પાર્ટનરશીપ માટેના કરારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે બંને દેશોએ પ્રસ્તાવિત 'કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ' (CECA) અને દ્વિપક્ષીય રોકાણ સંરક્ષણ માળખાને ઝડપથી આખરી ઓપ આપવાનું નક્કી કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership) નવી ઊંચાઈએ પહોંચી છે. સંરક્ષણ, વેપાર અને ઊર્જા સિવાય સ્પેસ ટેક્નોલોજી (ગગનયાન પ્રોજેક્ટ) અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ સાથે મળીને કામ કરવા પર સંમતિ સધાઈ છે. બંને દેશો પરસ્પર વિશ્વાસપાત્ર અને કુદરતી ભાગીદાર તરીકે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પ્રાદેશિક સુમેળ સાધવા માટે પ્રતિબદ્ધ દેખાયા હતા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
