News of Friday, 17th July 2026
વૈશ્વિક સ્તરે ઓરીનો હાહાકાર: વિશ્વમાં ભારત બીજા ક્રમે સૌથી વધુ પ્રભાવિત, 6 મહિનામાં રેકોર્ડબ્રેક 26,000 થી વધુ કેસ નોંધાયા!
કોરોના કાળ બાદ બાળકોના રસીકરણમાં આવેલી શિથિલતા વાયરસ માટે વરદાન સાબિત થઈ; WHO અને CDC એ જાહેર કરી ગંભીર ચેતવણી

ગાંધીનગર, તા.૧૭: કોરોના મહામારીના ભયાનક દિવસો બાદ હવે 'ઓરી' (Measles) નો વાયરસ ફરી એકવાર વૈશ્વિક જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બનીને ઉભર્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વના તમામ દેશોમાં ઓરીનો રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ડિસેમ્બર ૨૦૨૫ થી મે ૨૦૨૬ વચ્ચેના માત્ર ૬ મહિનાના સમયગાળામાં ભારતમાં ઓરીના રેકોર્ડબ્રેક ૨૬,૬૦૭ કેસ નોંધાયા છે. આ વૈશ્વિક યાદીમાં પડોશી દેશ બાંગ્લાદેશ ૪૨,૧૭૪ કેસ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત બીજા ક્રમે આવી ગયું છે.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના વૈશ્વિક અપડેટ અનુસાર, કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઓરીના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, તે સમયે બાળકોના નિયમિત રસીકરણ કાર્યક્રમો ખોરવાઈ જવાના કારણે હવે આ વાયરસ બમણી તાકાત સાથે પાછો ફર્યો છે.
હવામાં બે કલાક સુધી જીવતો રહે છે આ જીવલેણ વાયરસ!
નિષ્ણાતોના મતે, ઓરી એ માનવજાત માટે જાણીતા સૌથી વધુ ચેપી રોગોમાંનો એક છે. આ વાયરસ શ્વસનતંત્રના ટીપાં (Droplets) દ્વારા ફેલાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ જે તે રૂમ છોડીને જતી રહે, તો પણ આ વાયરસ હવામાં સતત બે કલાક સુધી જીવતો અને સક્રિય રહી શકે છે. આથી, રસી ન લીધી હોય તેવા બાળકો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માત્ર થોડીક સેકન્ડોમાં જ આ વાયરસનો ભોગ બની જાય છે. CDC એ ચેતવણી આપી છે કે, "કોઈપણ એક જગ્યાએ ઓરીનો ફેલાવો, એ આખા વિશ્વ માટે મોટો ખતરો છે."
બાળકો બની રહ્યા છે આ રોગનો મુખ્ય ભોગ
આંકડા દર્શાવે છે કે ઓરીનો સૌથી મોટો બોજ ૧૦ વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો સહન કરી રહ્યા છે. જે બાળકો ખૂબ નાના છે અથવા જેમનો રસીનો એક પણ ડોઝ ચૂકી ગયો છે, તેઓ ઝડપથી બીમાર પડી રહ્યા છે. ભારતમાં પણ આ કેસો કોઈ એક વિસ્તાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા છે. ઓરીના શરૂઆતના લક્ષણોમાં તીવ્ર તાવ, ઉધરસ, વહેતું નાક અને આંખો લાલ થવી વગેરે છે, જે બાદમાં આખા શરીર પર લાલ ફોલ્લીઓમાં ફેરવાઈ જાય છે. જો સમયસર સારવાર ન મળે તો તે ન્યુમોનિયા, અંધત્વ, મગજનો સોજો (એન્સેફાલીટીસ) અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
એકમાત્ર ઈલાજ: રસીકરણના બંને ડોઝ
જાહેર આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ રોગચાળાને રોકવાનો એકમાત્ર અને સૌથી મજબૂત ઉપાય સંપૂર્ણ રસીકરણ છે. ઓરી વિરોધી રસીના બંને ડોઝ લેવાથી લાંબા ગાળાનું રક્ષણ મળે છે. WHO અને યુનિસેફના જણાવ્યા મુજબ, છેલ્લા બે દાયકામાં રસીકરણના કવરેજમાં સુધારો થયો હોવા છતાં, તે વાયરસના સંક્રમણને સંપૂર્ણપણે અટકાવવા માટે જરૂરી એવા ૯૫% ના વૈશ્વિક સ્તરથી હજુ પણ નીચે છે. આરોગ્ય અધિકારીઓએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોનું રસીકરણ સમયસર પૂરું કરાવે, જેથી આ ગંભીર રોગચાળાને ફેલાતો અટકાવી શકાય.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
