<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

વૈશ્વિક તેલ સંકટ: 6 દેશોની રિફાઈનરીઓમાં રહસ્યમય આગ, શું આ 'હાઈબ્રિડ વોર' છે?

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાથી લઈને ભારત સુધીની ઓઈલ રિફાઈનરીઓ ભડકે બળી : ક્રૂડ ઓઈલ $100ને પાર પહોંચતા વિશ્વ પર આર્થિક કટોકટીનું સંકટ ઘેરાયું

ન્યૂયોર્ક:  વિશ્વ અત્યારે એક વિચિત્ર અને ભયાનક તેલ સંકટ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા 45 દિવસમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, રશિયા, એક્વાડોર અને ભારત જેવા છ દેશોની ઓઈલ રિફાઈનરીઓમાં એકપછી એક રહસ્યમય આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. અમેરિકાના ટેક્સાસમાં વિસ્ફોટોથી લઈને ઓસ્ટ્રેલિયાના ગીલોંગ પ્લાન્ટ સુધીની આ આગને સત્તાવાર રીતે ‘ટેકનિકલ ખામી’ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતો તેને ઈરાન યુદ્ધ સાથે જોડાયેલું એક મોટું વૈશ્વિક કાવતરું માની રહ્યા છે. રશિયામાં યુક્રેનના ડ્રોન હુમલાઓ જગજાહેર છે, પરંતુ અન્ય સ્થળોએ કોઈ પણ સીધા હુમલા વગર રિફાઈનરીઓનું સળગવું ‘હાઈબ્રિડ વોરફેર’ તરફ ઈશારો કરે છે.

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે હોર્મુઝની સામુદ્રધુની પર કબજો જમાવતા જ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ફેબ્રુઆરીમાં $66 પ્રતિ બેરલ મળતું ક્રૂડ હવે $100ને પાર કરી ગયું છે. આ દરમિયાન રિફાઈનરીઓમાં લાગેલી આગે પુરવઠા સાંકળ (Supply Chain) તોડી નાખી છે. ખાસ કરીને મેક્સિકોમાં 5 લોકોના મોત અને મ્યાનમારમાં 10 ઈંધણ ટેન્કરોનો નાશ થવો એ સાબિત કરે છે કે આ ઘટનાઓ માત્ર સંયોગ નથી. ભારતમાં પણ ONGCના મુંબઈ હાઈ પ્લેટફોર્મ પર આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. નિષ્ણાતો મુજબ, દુશ્મન દેશો હવે સીધા યુદ્ધને બદલે રિફાઈનરીઓ જેવા આર્થિક સ્તંભોને નિશાન બનાવીને દેશના અર્થતંત્રને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ આગની શ્રેણીએ વૈશ્વિક બજારમાં ફાળો આપતી મુખ્ય એનર્જી કંપનીઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. જો આ સિલસિલો જારી રહ્યો તો આગામી મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ શકે છે. અત્યારે ટેક્સાસ અને મેક્સિકોની તપાસ એજન્સીઓ ઈરાન અથવા અન્ય કોઈ બાહ્ય શક્તિના સાયબર એટેક કે આંતરિક તોડફોડની શક્યતાઓ તપાસી રહી છે. યુદ્ધ હવે માત્ર સરહદો પર જ નહીં, પણ તેલના કૂવાઓ અને રિફાઈનરીઓની પાઈપલાઈનમાં પણ લડાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

(6:40 PM IST)