<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વૈશ્વિક આંચકો: સાઉદી-કતારનું વર્ચસ્વ તોડી અમેરિકા બન્યું ભારતનું નંબર-૧ LPG સપ્લાયર

માત્ર ત્રણ જ મહિનામાં યુએસનો હિસ્સો ૧૪% થી વધીને ૫૫% એ પહોંચ્યો : જ્યારે ગલ્ફ દેશો ફેબ્રુઆરીના ૮૧% થી ગબડીને ૧૬% પર પટકાયા

નવી દિલ્હી:  પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની ચિનગારીએ વૈશ્વિક ઉર્જા નકશાને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે, જેમાં ભારતની ગેસ ખરીદી પ્રણાલીમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. પરંપરાગત રીતે સાઉદી અરેબિયા અને કતાર જેવા ગલ્ફ દેશોના ઈજારાશાહી સમાન બજારમાં અમેરિકાએ આક્રમક એન્ટ્રી કરીને ભારતનું સૌથી મોટું એલપીજી (LPG) સપ્લાયર બનવાનું ગૌરવ મેળવ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારતની કુલ એલપીજી આયાતમાં અમેરિકાનો હિસ્સો જે માત્ર ૧૪% હતો, તે મે ૨૦૨૬ સુધીમાં વિસ્ફોટક ઉછાળા સાથે ૫૫% પર પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે મધ્ય-પૂર્વના દેશોનું વર્ષો જૂનું વર્ચસ્વ હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે.

આ આશ્ચર્યજનક ભૌગોલિક-રાજકીય શિફ્ટ પાછળ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે છેડાયેલું યુદ્ધ મુખ્ય જવાબદાર છે. ઈરાને જવાબી કાર્યવાહીમાં તેલ અને ગેસ પરિવહન માટે અત્યંત વ્યૂહાત્મક ગણાતો હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી દેતાં ગલ્ફ ક્ષેત્રમાંથી ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પરિણામે, સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કુવૈત અને કતારનો સંયુક્ત હિસ્સો ૮૧% થી સીધો ગબડીને માત્ર ૧૬% થઈ ગયો છે. આ કટોકટીના સમયે ભારતે અમેરિકાથી એલપીજી કાર્ગોની આયાતમાં ૭૩% નો ધરખમ વધારો કરીને મે મહિનામાં આશરે ૬,૬૬,૦૦૦ મેટ્રિક ટન ગેસ મેળવી સપ્લાય ચેઈનને તૂટતી બચાવી લીધી છે.

બીજી તરફ, આ વૈશ્વિક ટાંચા સ્ત્રોતોની વચ્ચે ભારતે સ્થાનિક સ્તરે પણ કડક આર્થિક નિર્ણયો લીધા છે અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ધરાવતા ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડર પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, રાહતની વાત એ છે કે ભારતનું સ્થાનિક એલપીજી ઉત્પાદન પણ પ્રતિદિન ૩૫,૦૦૦ મેટ્રિક ટનથી વધીને ૫૨,૦૦૦ મેટ્રિક ટન થયું છે. ગેસ સિવાય ક્રૂડ ઓઇલ સેક્ટરમાં પણ રશિયા ભારતનો તારણહાર બન્યું છે, જ્યાં પ્રતિબંધો છતાં મે મહિનામાં રશિયન તેલની આયાત ૨૪% વધીને ૧.૯૫ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. ભારતીય રિફાઇનરીઓ હવે હોર્મુઝના જોખમી માર્ગને ટાળવા માટે વેનેઝુએલા અને ઓમાન જેવા સુરક્ષિત દરિયાઈ વિકલ્પો તરફ ઝડપથી વળી રહી છે.

(7:16 PM IST)