<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

મલેશિયા જઈને નોકરી શોધવાની ભૂલ ભારે પડશે! ભારતીય હાઈ કમિશને જાહેર કરી કડક ચેતવણી; વિઝા-ફ્રી એન્ટ્રીનો દુરુપયોગ કર્યો તો થશે જેલ

૩૦ દિવસની વિઝા-મુક્ત સુવિધાથી રોજગાર શોધતા ભારતીયો પર લટકતી કાનૂની તલવાર: ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી અને દેશનિકાલની ચીમકી

કુઆલાલંપુર : મલેશિયામાં નોકરી કે રોજગારની તકો શોધી રહેલા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સાવધ કરતી એડવાઈઝરી સામે આવી છે. કુઆલાલંપુર સ્થિત ભારતીય હાઈ કમિશને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, મલેશિયા સરકાર દ્વારા ભારતીય પ્રવાસીઓને આપવામાં આવતી ૩૦ દિવસની 'વિઝા-મુક્ત' (Visa-Free Entry) સુવિધાનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં નોકરી શોધવા કે કામ મેળવવા માટે કરવો નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

હાઈ કમિશનના ધ્યાન પર આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક ભારતીય નાગરિકો વિઝિટર કે ટુરિસ્ટ તરીકે વિઝા-મુક્ત સુવિધાનો લાભ લઈને મલેશિયા પહોંચી રહ્યા છે અને ત્યાં ગેરકાયદેસર રીતે નોકરીની શોધખોળ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતાં ભારતીય મિશને સ્પષ્ટ કર્યું છે કે, પ્રવાસી વિઝા પર મલેશિયા આવીને રોજગાર મેળવવો એ ત્યાંના ઇમિગ્રેશન કાયદાઓનું સીધું અને ગંભીર ઉલ્લંઘન છે.

 

ગેરકાયદે રોકાણ, અટકાયત અને શોષણનો મોટો ખતરો

 

ભારતીય હાઈ કમિશને ઉમેર્યું છે કે, આ રીતે મલેશિયા જતા ભારતીયો મોટાભાગે ઠગ એજન્ટોની જાળમાં ફસાઈને વિવિધ મુશ્કેલીઓનો ભોગ બને છે. નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય રોકાવું (Overstaying), ગેરકાયદેસર સ્થળાંતર કરનાર તરીકે અટકાયતમાં લેવાવું, જેલની સજા થવી અને માલિકો દ્વારા આર્થિક તથા શારીરિક શોષણનો શિકાર બનવું જેવા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

 

હાઈ કમિશને તમામ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મલેશિયામાં નોકરી કરવા ઈચ્છતા હોય તો માત્ર અધિકૃત અને વૈધ 'વર્ક વિઝા' (Work Permit) મેળવીને જ પ્રયાણ કરે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ટૂંકી ગલીઓ અપનાવવાથી દૂર રહે.

 

(6:15 PM IST)