તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 16th July 2026
સોનાના સિક્કા પર ચમકશે ડોનાલ્ડ ટ્રમ્પ
આઝાદીના ૨૫૦ વર્ષ પુરા થવા પર બહાર પાડશે ૧ ડોલરનો ગોલ્ડ કોઈન : અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર $૧નો ૨૪ કેરેટનો સ્મારક સોનાનો સિક્કો બહાર પાડશેઃ આ સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે, જેને લઈને અમેરિકામાં વિવાદ પણ શરૂ થયો છે

વોશિંગ્ટન,તા.૧૬: અમેરિકાને આ વર્ષે ૪ જુલાઈએ આઝાદીના ૨૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અમેરિકી સરકાર દેશની આઝાદીના ૨૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે $૧નો નવો સોનાનો સિક્કો બહાર પાડવા જઈ રહી છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે, અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર સ્વતંત્રતાની અમર વિરાસત અને દેશભક્તિના અવિનાશી પ્રતીકના સન્માનમાં $૧નો નવો સોનાનો સિક્કો રજૂ કરશે. આ સિક્કા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. તેમના જણાવ્યા અનુસાર, આ સિક્કો અમેરિકન મૂલ્યોની મજબૂતી અને દરેક માટે સ્વતંત્રતાના રક્ષણ માટે દેશના સંકલ્પનું પ્રતીક છે.
આ એક પ્રકારનો Commemorative ગોલ્ડ કોઈન હશે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની તસવીર સાથે Liberty અને In God We Trust લખવામાં આવ્યું છે. ઉપરાંત સિક્કા પર ૧૭૭૬-૨૦૨૬ પણ અંકિત કરવામાં આવ્યું છે. અમેરિકાને ૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ આઝાદી મળી હતી. આ ૨૪ કેરેટ સોનાનો સ્મારક સિક્કો હશે.
ટ્રમ્પની તસવીર ધરાવતા આ સિક્કાને લઈને અમેરિકામાં વિવાદ પણ શરૂ થઈ ગયો છે. પરંપરાગત રીતે અમેરિકામાં જીવિત રાષ્ટ્રપતિની તસવીર ચલણ પર છાપવામાં આવતી નથી. વિવેચકોનું કહેવું છે કે આ નિર્ણય દાયકાઓથી ચાલી આવતી પરંપરાના વિરુદ્ધ છે.
જોકે, અમેરિકાના ટ્રેઝરી વિભાગનું કહેવું છે કે ૨૦૨૦ Circulating Collectible Coin Redesign Act હેઠળ અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ ઼૧ના સિક્કા બહાર પાડવાનો અધિકાર નાણાં મંત્રીને આપવામાં આવ્યો છે. સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ જ કાનૂની જોગવાઈ હેઠળ આ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે.
અમેરિકાના ઇતિહાસમાં હાલના રાષ્ટ્રપતિની તસવીર ધરાવતા સિક્કાનું ઉદાહરણ ખૂબ જ દુર્લભ છે. નાણાં વિભાગના જણાવ્યા મુજબ, વર્ષ ૧૯૨૬માં અમેરિકાની ૧૫૦મી વર્ષગાંઠ દરમિયાન તે સમયના રાષ્ટ્રપતિ કેલ્વિન કુલિજની તસવીર ધરાવતો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. સ્કોટ બેસેન્ટ ટ્રમ્પના સિક્કાને યોગ્ય ઠેરવવા માટે આ જ ઉદાહરણ આપી રહ્યા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
