<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગોલ્ડ જ્વેલરી વેચાણ ૧૩-૧૫ ટકા ઘટીને દાયકામાં સૌથી ઓછું રહેશે

વોલ્યૂમ ઘટીને ૬૨૦-૬૪૦ ટન થશે, જોકે આવક ૨૦-૨૫ ટકા વધશેઃ ક્રિસિલ : સોનાના ઊંચા ભાવને કારણે ઈન્વેન્ટરી હોલ્ડિંગ ખર્ચ વધશે અને બેન્ક બોરોઈંગ વધશે

મુંબઈ તા.૨૩:  દેશમાં ઓર્ગેનાઈઝડ ગોલ્ડ જ્વેલરી રિટેલ સેકટરનું વેચાણ વોલ્યૂમ ચાલુ નાણાકીય વર્ષમાં વધુ ૧૩-૧૫ ટકા ઘટીને ૬૨૦-૬૪૦ ટન થશે તેવો અંદાજ છે. છેલ્લાં એક દાયકામાં આ સૌથી ઓછું હશે. ક્રેડિટ રેટિગ એજન્સી ક્રિસિલે તેના રિપોર્ટમાં આ અંદાજ રજૂ કર્યો છે. વિતેલા વર્ષ ૨૦૨૫-૨૬માં પણ આ સેકટરમાં વેચાણ ૮ ટકા ઘટ્યું હતું. જોકે આ સેકટરની આવકમાં ૨૦-૨૫ ટકા નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે તેમ પણ તેણે કહ્યું છે.

ક્રિસિલે શુક્રવારે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર સોનાના ઊંચા ભાવને કારણે ઈન્વેન્ટરી હોલ્ડિંગ ખર્ચ વધશે અને બેન્ક બોરોઈંગ વધશે. જોકે આવક અને કેશ બન્નેમાં પણ વૃદ્ધિ જોવાશે જેને કારણે ડેટ પરની નિર્ભરતા સરભર થઈ જશે. પરિણામે કંપનીઓના ક્રેડિટ પ્રોફાઈલ સ્થિર રહેશે.

વર્ષ ૨૦૨૫-૨૬માં દેશમાં ૭૨૦ ટન સોનાની આયાત થઈ હતી, જેને કારણે ૭૨ અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ ગુમાવવું પડ્યું હતું.

સોનાના સતત ઊંચા ભાવ અને બીજી તરફ ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટેના પગલાં તથા કરન્સીમાં થતું ધોવાણ અટકાવવા માટે સરકારે તાજેતરમાં સોના-ચાંદીની આયાત પર ૬ ટકાની ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરી નાખી છે. તેનો ઉદ્દેશ માંગ અને આયાત ઘટાડવાનો છે. તેને કારણે જ્વેલરીનું વેચાણ પણ ખાસ્સું ઘટશે અને કોરોનાકાળનો અપવાદ બાદ કરીએ તો છેલ્લાં એક દાયકામાં સૌથી નીચા સ્તરે જોવા મળશે.

રિયલાઈઝેશન વધશે તેને કારણે રિટેલર્સને ઈન્વેન્ટરીનો ફાયદો થશે, પરંતુ આ પૈકી કેટલોક ફાયદો તેઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીને વોલ્યૂમ વેચાણ વધારવાનો પ્રયાસ કરી શકે છે.

દરમિયાન સોનામાં રોકાણની માંગ છેલ્લાં બે નાણાકીય વર્ષથી નોંધપાત્ર વધી રહી છે. જ્વેલરીનું વેચાણ ૨૫ ટકા ઘટ્યું છે અને સોનાની લગડીનું તથા સિક્કાનું વેચાણ ૫૦ ટકાથી વધુ વધ્યું છે. જોકે હવે આયાત ડ્યૂટીમાં જબ્બર વધારો થઈ ગયો છે તે જોતા તમામ સેગમેન્ટમાં સોનાની માંગ પર અસર થશે તેમ જણાય છે.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર સરકારે આયાત ડ્યૂટી ૬ ટકાથી વધારીને ૧૫્રુ કરી દીધી છે તેને કારણે સોનાની જ્વેલરીની માંગ પર વ્યાપક અસર થશે. લોકો સોનામાં રોકાણ માટે જ્વેલરીને બદલે સોનાની લગડી અને સિક્કા પસંદ કરશે. ઓર્ગેનાઈઝડ રિટેલર્સ સાવચેતીપૂર્વક વિસ્તરણ કરી રહ્યા છે અને ફ્રેન્ચાઈજ આધારીત મોડેલ આગળ ધપાવી રહ્યા છે. તેને કારણે મૂડી કાર્યક્ષમતામાં સુધારો થશે અને ટિયર-૨ તથા ટિયર-૩ શહેરોમાં તેઓ પહોંચી શકશે.

(10:05 AM IST)