News of Monday, 29th June 2026
સોનાની ખાણ, બ્લુ જીન્સ અને કેબલ કાર... જાણો વિશ્વને બદલી નાખનારા વૈભવી શહેર 'સાન ફ્રાન્સિસ્કો'નું નામ કેવી રીતે પડ્યું?
૧૭૭૬માં સ્પેનિશ ચોકીથી શરૂ થયેલી રોમાંચક સફર આજે AI યુગ સુધી પહોંચી: એક નાવિકના ઘરથી લઈને ૨ કરોડની વસ્તી અને લેવિસ જીન્સની શોધની અજાણી કહાની

સાન ફ્રાન્સિસ્કો : આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી, આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ શહેરોમાં જેની ગણતરી થાય છે તે અમેરિકાના 'સાન ફ્રાન્સિસ્કો' (San Francisco) નો ઇતિહાસ અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક રહ્યો છે. આશરે અઢીસો વર્ષ પહેલાં સમુદ્ર કિનારે એક નાનકડી સૈન્ય વસાહત તરીકે શરૂ થયેલું આ શહેર આજે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને સિલિકોન વેલીના દમ પર આખી દુનિયાને આકાર આપી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક માત્ર ૧,૦૦૦ ની વસ્તી ધરાવતા આ વિસ્તારનું નામ સાન ફ્રાન્સિસ્કો કેવી રીતે પડ્યું અને આ શહેરે દુનિયાને શું ભેટ આપી છે?
પાયો સ્પેનિશ લશ્કરે નાખ્યો, નામ મળ્યું 'યર્બા બુએના'
યુરોપિયનો અહીં આવ્યા તે પહેલાં હજારો વર્ષો સુધી ઓહલોન અને કોસ્ટ મિવોક નામના આદિવાસી સમુદાયો શિકાર અને માછીમારી કરીને અહીં રહેતા હતા. ૧૮મી સદીમાં બ્રિટન અને રશિયાના આક્રમણના ડરથી સ્પેનિશ સૈનિકો અને પાદરીઓએ ૨૯ જૂન, ૧૭૭૬ના રોજ અહીં એક લશ્કરી કિલ્લો 'પ્રેસિડિયો' અને મિશનરીની સ્થાપના કરી. આ જ દિવસે સાન ફ્રાન્સિસ્કોનો સત્તાવાર પાયો નંખાયો હતો. એ સમયે અહીં ઉગતી એક ખાસ વનસ્પતિના નામ પરથી આ વસાહતને 'યર્બા બુએના' (Yerba Buena) નામ આપવામાં આવ્યું હતું.
બાદમાં, ૧૮૨૧માં મેક્સિકો આઝાદ થતાં આ વિસ્તાર તેના તાબે આવ્યો અને ૧૮૨૨માં બ્રિટિશ નાવિક વિલિયમ એ. રિચાર્ડસને અહીં ખાડી કિનારે પહેલું કાયમી પાકું ઘર બનાવ્યું, જેનાથી આ વિસ્તાર વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યો. ૧૮૪૬માં મેક્સિકો સાથેના યુદ્ધ બાદ અમેરિકી નૌસેનાએ આના પર કબજો કર્યો અને ૧૮૪૭માં યુએસ એડમિનિસ્ટ્રેટર વોશિંગ્ટન બાર્ટલેટે તેનું નામ બદલીને 'સાન ફ્રાન્સિસ્કો' રાખ્યું.
૧૮૪૮નો 'ગોલ્ડ રશ' અને રાતોરાત બદલાયું નસીબ
૨૪ જાન્યુઆરી, ૧૮૪૮ના રોજ કેલિફોર્નિયાની સટર મિલમાં અચાનક સોનાની ખાણ મળી આવી અને આ સમાચારે સાન ફ્રાન્સિસ્કોનું નસીબ પલટી નાખ્યું. સોનાની શોધમાં અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ચીનથી હજારો લોકો અહીં આવવા લાગ્યા, જેમને ઇતિહાસમાં "ફોર્ટી-નાઇનર્સ" (Forty-Niners) કહેવામાં આવે છે.
સમુદ્ર માર્ગે આવતા લોકો અહીં જ ઉતરતા હોવાથી માત્ર થોડા જ મહિનાઓમાં આ નાનકડું ગામડું વિશ્વના સૌથી વ્યસ્ત બંદરમાં ફેરવાઈ ગયું અને વસ્તી ૧,૦૦૦ થી વધીને સીધી ૨૫,૦૦૦ થઈ ગઈ. એ સમયે સમુદ્ર કિનારે લાવીને છોડી દેવાયેલા સેંકડો જહાજો પર માટી પુરીને રસ્તા અને ઇમારતો બનાવી દેવાયા હતા, જેના અવશેષો આજે પણ આ આધુનિક શહેરની જમીનની નીચે દટાયેલા જોવા મળે છે.
આ શહેરે દુનિયાને આપી આ ૩ અદ્ભુત ભેટ
આ વૈશ્વિક શહેરે માનવ સભ્યતાને એવી વસ્તુઓ આપી છે જેના વગર આજનું જીવન અધૂરું લાગે છે:
• બ્લુ જીન્સ (Blue Jeans): ૧૮૫૩માં લેવી સ્ટ્રોસ નામના વ્યક્તિએ ગોલ્ડ રશના કામદારોના ફાટેલા પેન્ટ જોયા બાદ મજબૂત કાપડમાંથી વિશ્વના પ્રથમ 'બ્લુ જીન્સ'ની શોધ કરી, જે આજે વૈશ્વિક બ્રાન્ડ 'Levis' (લેવિસ) તરીકે પ્રખ્યાત છે.
• કેબલ કાર (Cable Car): પહાડી રસ્તાઓ પર પરિવહન સરળ બનાવવા માટે ૧૮૭૩માં એન્જિનિયર એન્ડ્રુ હેલિડીએ વિશ્વની પ્રથમ સફળ કેબલ કાર સેવા અહીં શરૂ કરી હતી.
• સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટર: બીજા વિશ્વયુદ્ધ બાદ શાંતિ સ્થાપવા માટે વર્ષ ૧૯૪૫માં સાન ફ્રાન્સિસ્કોમાં જ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ઐતિહાસિક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ૧૯૩૭માં બનેલો સાન ફ્રાન્સિસ્કો ખાડી પરનો આઇકોનિક 'ગોલ્ડન ગેટ બ્રિજ' (Golden Gate Bridge) તે સમયે વિશ્વનો સૌથી લાંબો ઝૂલતો પુલ હતો, જે આજે પણ આ શહેરની ભવ્ય ઓળખ છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
