News of Wednesday, 13th May 2026
સોનાના ભાવમાં ભડકો, વડોદરાના બજારોમાં સન્નાટો: 10 ગ્રામના ભાવ ₹1,66,000 ને પાર, PM મોદીની અપીલ બાદ જ્વેલરી શોરૂમ્સમાં 'કાગડા ઉડ્યા'!
ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારાથી સોનું સામાન્ય માણસની પહોંચ બહાર; અર્થતંત્ર બચાવવા ગ્રાહકોએ ખરીદી પર માર્યો બ્રેક, કારીગરો અને નાના વેપારીઓ પર બેકારીનું સંકટ

વડોદરા, તા.૧૩: વડોદરાના સુવર્ણ બજારમાં આજે જેવો માહોલ જોવા મળ્યો છે તેવો ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે દેશવાસીઓને સોનું ન ખરીદવાની જે ભાવુક અપીલ કરી છે, તેની સીધી અસર સંસ્કારી નગરીના બજારોમાં જોવા મળી રહી છે. વડોદરાના પ્રખ્યાત જ્વેલરી શોરૂમ્સ કે જે હંમેશા ગ્રાહકોથી ઉભરાતા હતા, ત્યાં આજે સ્મશાનવત શાંતિ જોવા મળી રહી છે.
ભાવમાં તોતિંગ વધારો: ₹2 લાખની સપાટી તરફ સોનું
કેન્દ્ર સરકાર દ્વારા સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને સીધી 15% કરી દેવામાં આવતા સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ થયો છે. વડોદરાના બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,66,000 ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. બજારના માંધાતાઓનું માનીએ તો, જો માંગમાં આ જ રીતે ઘટાડો ચાલુ રહેશે અને વૈશ્વિક સ્થિતિ નહીં સુધરે, તો ટૂંક સમયમાં સોનું ₹2 લાખના આંકડાને પણ વટાવી શકે છે.
શોરૂમ્સમાં બોણીના પણ ફાંફા, વેપારીઓ ચિંતાતુર
વડોદરાના અલકાપુરી અને માંડવી વિસ્તારના આલીશાન શોરૂમ્સના માલિકો જણાવી રહ્યા છે કે જ્યાં રોજના કિલોગ્રામમાં દાગીના વેચાતા હતા, ત્યાં આજે સાંજ સુધી બોણીના પણ ફાંફા છે. પીએમની અપીલને કારણે લોકો દેશહિતમાં ખરીદી ટાળી રહ્યા છે. શોરૂમ સંચાલકોના મતે, ગ્રાહકોની ગેરહાજરીમાં મોંઘા શોરૂમ્સનું લાઈટ બિલ અને સ્ટાફનો પગાર કાઢવો પણ હવે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે.
કારીગરોની હાલત કફોડી: લગ્નસરા પૂર્વે જ બજાર ઠપ્પ
આર્થિક મોરચે માત્ર મોટા વેપારીઓ જ નહીં, પણ સોના-ચાંદીના દાગીના ઘડતા હજારો નાના કારીગરોની હાલત પણ દયનીય બની છે. કામ ન મળવાને કારણે અનેક પરિવારો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આગામી લગ્નસરાની સીઝન પહેલા જે રોનક હોવી જોઈએ તેના બદલે બજારમાં સન્નાટો ફેલાયેલો છે. એક તરફ દેશભક્તિનો જુવાળ છે, તો બીજી તરફ આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. વડોદરાના જ્વેલર્સ હવે સરકાર કોઈ રાહત આપે તેની આશા રાખીને બેઠા છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
