News of Wednesday, 25th November 2026
વાયદા બજારમાં સોના-ચાંદીનો ભારે કડાકોઃ રોકાણકારોમાં ખળભળાટઃ બે દિવસમાં ભાવમાં મોટો ઘટાડો
અમેરિકી ફેડના વ્યાજદર અને ઈમ્પોર્ટ ટેરિફના અહેવાલોથી બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું

નવી દિલ્હી, તા.૨૫: સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મંગળવારના મોટા ઘટાડા બાદ બુધવારે પણ મંદીનો દોર જારી રહ્યો છે. માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં ラ અને વાસ્તવમાં ૨૪ કલાકથી પણ ઓછા સક્રિય કારોબારી સમયમાં ラ સોનું રૂ.૩,૮૯૦ અને ચાંદી રૂ.૯,૬૬૫ ગગડી જતાં બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. મંગળવારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહ્યા બાદ સાંજે ૫ વાગ્યે કોમોડિટી બજાર ખૂલતાં જ વેચવાલીનો મારો શરૂ થયો હતો, જે બુધવારે સવારે બજાર ખૂલતાંની સાથે જ યથાવત રહ્યો હતો.
બુધવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ અગાઉના રૂ.૧,૨૨,૩૨૯ ના બંધ સામે રૂ.૧,૨૧,૯૦૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન રૂ.૧,૨૨,૧૨૦ ની ઊંચી સપાટી બાદ નીચામાં રૂ.૧,૨૧,૭૫૦ સુધી સરકી જતાં રૂ.૫૭૯ નો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ૧ કિલો ચાંદી અગાઉના રૂ.૧,૪૫,૪૩૮ ના બંધ ભાવ સામે રૂ.૧,૪૫,૦૦૩ પર ખૂલી હતી અને રૂ.૧,૪૫,૩૮૬ ના હાઈ બાદ રૂ.૧,૪૪,૪૫૩ ના નીચલા સ્તરે પહોંચતાં વધુ રૂ.૯૮૫ સસ્તી થઈ હતી. અગાઉ મંગળવારે સોનામાં રૂ.૩,૩૧૧ અને ચાંદીમાં રૂ.૮,૬૮૦ નો મોટો કડાકો બોલાયો હતો, જેના પરિણામે બે દિવસનો કુલ ઘટાડો અનુક્રમે રૂ.૩,૮૯૦ અને રૂ.૯,૬૬૫ પર પહોંચ્યો છે.
આ જંગી ઘટાડા પાછળ વૈશ્વિક આર્થિક સંકેતો મુખ્ય કારણભૂત છે. યુએસ ફેડરલ દ્વારા ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરો વધવાની આશંકા અને વ્હાઈટ હાઉસ દ્વારા ઈમ્પોર્ટ ટેરિફ વધારવાની તૈયારીના અહેવાલો વચ્ચે રોકાણકારો શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા સોના-ચાંદીમાં સતત વેચવાલી કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકાના ફુગાવાના મહત્વના આંકડા જાહેર થાય તે પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં સાવચેતી અને દબાણ વધ્યું છે, જેની સીધી અસર સ્થાનિક વાયદા બજાર પર જોવા મળી રહી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
