<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો

નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ ડોલરમાં મજબૂતીના પગલે સોનામાં દબાણ :હાઈ લેવલ પર ટ્રેડિંગ કરતા રોકાણકારોના નફા વસૂલીથી ભાવમાં નરમી

સોનાના ભાવમાં સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું 900 ઘટીને 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 1,54,900 પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,41,888 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 1,16,175 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. બીજી તરફ, ચાંદીની કિંમત સતત બીજા દિવસે 2.42 લાખ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી
નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ ડોલરમાં મજબૂતીની અસર સોનાના ભાવ પર પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈ લેવલ પર ટ્રેડિંગ કરી રહેલા સોનામાં રોકાણકારોએ નફો વસૂલ્યો, જેનાથી કિંમતો પર દબાણ આવ્યું. ડોલર ઈન્ડેક્સ પણ વધીને લગભગ 100.85 સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમત નબળી રહી હતી. સ્પોટ ગોલ્ડ લગભગ 1 ટકા ઘટીને 4,317.09 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયું હતું. જ્યારે ચાંદીની કિંમત લગભગ 3 ટકા ઘટીને 65.17 ડોલર પ્રતિ ઓંસ રહી હતી.
યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓની કડક નાણાકીય નીતિ અંગેની ટિપ્પણીઓને કારણે વ્યાજ દરોમાં વધારાની અપેક્ષા મજબૂત થઈ છે. સામાન્ય રીતે વ્યાજ દરો વધવાની શક્યતાથી સોના જેવા વ્યાજ વગરના રોકાણ પર દબાણ વધી શકે છે.

તાજેતરના ઘટાડા છતાં, સોનું ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે મોંઘું છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત એક વર્ષમાં લગભગ રૂપિયા 98,000થી વધીને આશરે રૂપિયા 1.57 લાખ પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક તેજી, રૂપિયામાં નબળાઈ અને એપ્રિલમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો જેવા કારણોની અસર રહી હતી. મોંઘા સોનાના કારણે ગ્રાહકોની ખરીદીની પેટર્નમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારે જ્વેલરીના બદલે લોકો હળવી જ્વેલરી, જૂના સોનાનું એક્સચેન્જ અને ગોલ્ડ કોઈન, ડિજિટલ ગોલ્ડ તેમજ ETF જેવા વિકલ્પો તરફ જોઈ રહ્યા છે

(10:03 PM IST)