<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ચાલુ ટ્રેનમાંથી પુણેના જૈન પરિવારની ૧૩ લાખની સોના-ચાંદીની માલમતા સાફ

૫૪ વર્ષનાં મહિલા દાગીના ભરેલું પર્સ માથા પાસે રાખીને સૂતાં હતાં, ઊઠ્‍યાં ત્‍યારે ગાયબ હતું

પુણે તા.૨૫: ચાલુ ટ્રેનમાં પ્રવાસીઓની નજર ચૂકવીને કીમતી સામાનની ચોરી કરતી ગેન્‍ગનો આતંક સતત વધી રહ્યો છે, જેનો ભોગ તાજેતરમાં પુણેના કોથરુડ વિસ્‍તારનો એક મારવાડી જૈન પરિવાર બન્‍યો છે. ઇન્‍દોર-દૌંડ એક્‍સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આ પરિવારને નિશાન બનાવીને અજ્ઞાત ચોરોએ કર્જત રેલવે-સ્‍ટેશન નજીકથી આશરે ૧૩ લાખ રૂપિયાની કીમતી માલમતા સેરવી લીધી હતી. આ મામલે કોથરુડમાં રહેતાં ૫૪ વર્ષનાં મહિલાની ફરિયાદના આધારે ગઈ કાલે કર્જત ગવર્નમેન્‍ટ રેલવે પોલીસ (GRP)એ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્‍થાનિક પોલીસ સહિત ઞ્‍ય્‍ભ્‍ની ક્રાઇમ બ્રાન્‍ચ પણ સંયુક્‍ત તપાસમાં જોડાઈ છે.

કર્જત GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલા બાવીસમી જૂને પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને નાની પૌત્રી સાથે પુણેથી ઇન્‍દોરની મુસાફરી કરવા ઇન્‍દોર-દૌંડ એક્‍સપ્રેસના AC કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં.

રાત્રે પ્રવાસ દરમ્‍યાન તેઓ પોતાના દાગીના અને કીમતી સામાન ભરેલું પર્સ માથાની નજીક રાખીને મિડલ બર્થ પર સૂઈ ગયાં હતાં. સવારે છ વાગ્‍યે મોબાઇલ અલાર્મ બંધ કર્યા બાદ તેઓ ફરી સૂઈ ગયા હતા. ત્‍યાર બાદ પોણાસાત વાગ્‍યે  તેઓ વોશરૂમ જવા માટે ઊઠ્‍યાં ત્‍યારે તેમના માથા પાસે રાખેલું પર્સ ગાયબ હતું.

એ સમયે ટ્રેન કર્જત રેલવે-સ્‍ટેશન પર ઊભી હતી એટલે ચોરોએ તેમની ઊંઘનો ફાયદો ઉઠાવીને આ ચોરીને અંજામ આપ્‍યો હોવાની ખાતરી થઈ હતી. ચોરી થયેલા ક્રીમ રંગના પર્સમાં અંદાજે ૮ લાખ રૂપિયાના સોના તથા ડાયમન્‍ડના પાંચ અલગ-અલગ નેકલેસ, ૩ લાખ રૂપિયાનું સોનાનું કડું અને એક લાખ રૂપિયાની કિમતની સોના-ડાયમન્‍ડની બે જોડી કાનની બુટ્ટીઓ સહિત કુલ ૧૧૮ ગ્રામ જેટલા સોનાના દાગીના હતા. આ ઉપરાંત એક લાખ રૂપિયાની કિમતનો સેમસંગ ફોલ્‍ડ મોબાઇલ એમ આશરે ૧૩ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી છે. આ કેસમાં અમે આરોપીની શોધ ચલાવી રહ્યા છે

(3:35 PM IST)