<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સોનાના દાણચોરો પર દેશવ્યાપી ઘા: રૂ. ૬૫ કરોડનું ૪૨ કિલોથી વધુ વિદેશી સોનું જપ્ત, ૨૫ ઝડપાયા

દાણચોરો વાહનોમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાના, શરીર ઉપર સોનું છુપાવવું, મુસાફરોનો ઉપયોગ, હવાઈમથકના કર્મચારીઓની મદદ તથા જમીન અને દરિયાઈ માર્ગો જેવી અલગ અલગ પદ્ધતિઓ અપનાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું

નવી દિલ્હી :રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયે સંગઠિત સોનાની દાણચોરી સામે દેશવ્યાપી કાર્યવાહી કરીને ૪૨ કિલોથી વધુ વિદેશી મૂળનું સોનું અને લગભગ ૧૦ કિલો ચાંદી જપ્ત કરી છે. જપ્ત કરાયેલા માલની સંયુક્ત કિંમત રૂ. ૬૫ કરોડથી વધુ હોવાનું કેન્દ્રના નાણાં મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે. વિવિધ કાર્યવાહીમાં પાંચ વિદેશી નાગરિકો સહિત ૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા, મુંબઈ, કેરળ સહિત અનેક સ્થળોએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે તા. ૨૮ અને ૨૯ ઑગસ્ટ દરમિયાન દાણચોરીનું એક સુવ્યવસ્થિત નેટવર્ક ઝડપાયું હતું. દાણચોરો વાહનોમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાના, શરીર ઉપર સોનું છુપાવવું, મુસાફરોનો ઉપયોગ, હવાઈમથકના કર્મચારીઓની મદદ તથા જમીન અને દરિયાઈ માર્ગો જેવી અલગ અલગ પદ્ધતિઓ અપનાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં એક સ્થળેથી મોટી સંખ્યામાં સોનાની લગડીઓ પણ મળી આવી હતી. 

(7:21 PM IST)