News of Tuesday, 21st April 2026
અમેરિકાની ૧૬૫ વર્ષ જૂની યુનિવર્સિટીમાં ભારતીય પરિવારનો સુવર્ણ ઇતિહાસ: શુક્લા પરિવારે સ્થાપ્યા અનેક ઐતિહાસિક રેકોર્ડ, શિક્ષણ જગતમાં ભારતનું નામ રોશન કર્યું
પિતાએ સૌથી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા તો પુત્રીએ મેળવી સૌથી વધુ ડિગ્રીઓ: ચેપમેન યુનિવર્સિટીએ ત્રણ પેઢીના શૈક્ષણિક વારસાને 'લેગસી એવોર્ડ' થી નવાજ્યો

ઓરેન્જ (કેલિફોર્નિયા), તા.૨૧: કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત ૧૬૫ વર્ષ જૂની ચેપમેન યુનિવર્સિટી (Chapman University) ના ઇતિહાસમાં એક ભારતીય-અમેરિકન પરિવારે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. શિક્ષણ, માર્ગદર્શન અને સમુદાય નિર્માણમાં અજોડ યોગદાન આપવા બદલ 'શુક્લા પરિવાર' ને યુનિવર્સિટી દ્વારા વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. ૧૬ એપ્રિલના રોજ આયોજિત 'ચાર્લ્સ સી. ચેપમેન લેગસી સોસાયટી ડિનર' માં આ પરિવારના અનેક ઐતિહાસિક સીમાચિહ્નોને બિરદાવવામાં આવ્યા હતા.
પિતા-પુત્રીના અનોખા રેકોર્ડ્સ
શુક્લા પરિવારના સભ્યોએ યુનિવર્સિટીમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જે ભાગ્યે જ કોઈ તોડી શકે:
- ડૉ. પ્રદીપ કે. શુક્લા: યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો રેકોર્ડ તેમના નામે છે. છેલ્લા ૪૧ વર્ષથી સતત કાર્યરત ડૉ. પ્રદીપે ઉનાળાના સત્રો અને વધારાના વર્ગો દ્વારા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપ્યો છે.
- ડૉ. મોનિકા શુક્લા-બેલ્મોન્ટેસ: પ્રદીપભાઈની પુત્રી મોનિકાએ આ જ યુનિવર્સિટીમાંથી ૫ ડિગ્રી અને ૨ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ મેળવ્યા છે, જે સંસ્થાના ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલી સૌથી વધુ ડિગ્રીઓ છે. રસપ્રદ વાત એ છે કે, જે દિવસે તેના પિતાએ અહીં ભણાવવાનું શરૂ કર્યું, તે જ દિવસે મોનિકાનો જન્મ થયો હતો.
'ઘરથી દૂર એક ઘર' જેવું વાતાવરણ
પ્રોફેસર યાત્રી શુક્લા (પ્રદીપભાઈના પત્ની) પોતે પણ ટ્રિપલ એલ્યુમના છે. તેમણે માત્ર વર્ગખંડ પૂરતું જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ મોટું યોગદાન આપ્યું છે. ભારતથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શુક્લા પરિવારનું ઘર 'હોમ અવે ફ્રોમ હોમ' (ઘરથી દૂર એક ઘર) બની ગયું છે. તેઓ વિદ્યાર્થીઓને રહેવા-જમવામાં અને અમેરિકન જીવનશૈલીમાં ભળવા માટે અંગત રીતે મદદ કરે છે.
શિક્ષકોની પેઢીઓનો વારસો
આ પરિવારની બીજી પુત્રી એમી આલ્ફીએ પણ ચેપમેનમાંથી ૩ ડિગ્રી મેળવી છે. સામૂહિક રીતે જોતા, આ પરિવાર કદાચ યુનિવર્સિટીમાં સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતો એકમાત્ર પરિવાર છે. શુક્લા દંપતીના મૂળ ભારત અને અમેરિકાના શિક્ષક પરિવારો સાથે જોડાયેલા છે, જેમના સંસ્કારો અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા તેમની આજની સફળતામાં સ્પષ્ટ દેખાય છે.
ભવિષ્ય માટે ઉમદા દાન
પોતાના વારસાને કાયમી બનાવવા માટે, શુક્લા પરિવાર ફિશ ઇન્ટરફેથ સેન્ટર ખાતે 'હિન્દુ વૈદિક ફંડ' ને સહયોગ આપી રહ્યા છે. આ ભેટનો હેતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં હિન્દુ ફિલસૂફી અને સાંસ્કૃતિક ઓળખ વિશે સંવાદ અને જાગૃતિ વધારવાનો છે.
ચેપમેન યુનિવર્સિટીના પ્રમુખ મેટ પાર્લોએ શુક્લા પરિવારની સિદ્ધિઓને માત્ર રેકોર્ડ તરીકે નહીં, પરંતુ પેઢીઓને માર્ગદર્શન આપતા એક મજબૂત આધાર સ્તંભ તરીકે ઓળખાવી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
