<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

બેંકિંગ સેક્ટરમાં ગોલ્ડન તક: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ૨૦૭ જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત!

એમબીએ, સીએ અને અનુભવી ગ્રેજ્યુએટ્સ માટે સ્ટેટ બેંકમાં ઊંચા પગારની શાનદાર તક; શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ દ્વારા થશે સીધી પસંદગી, ૨૫ સપ્ટેમ્બર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

મુંબઈ : બેંકિંગ ક્ષેત્રે પોતાની કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઈચ્છતા અનુભવી ઉમેદવારો માટે દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એક મોટી અને આકર્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની વિવિધ ૨૦૭ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી કરાર (કોન્ટ્રાક્ટ) આધારિત રહેશે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને આગામી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોતાની અરજી નોંધાવી શકે છે.

 

વિવિધ હોદ્દાઓ અને શૈક્ષણિક લાયકાતની વિગતો:

 

આ ભરતી પ્રક્રિયા હેઠળ ઝોનલ હેડ રિટેલ, રીજનલ હેડ, રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ), ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર, વીપી અને કેવીપી (વેલ્થ) જેવા આકર્ષક પદો ભરવામાં આવશે. વિવિધ પદો માટે લાયકાતના માપદંડ અલગ-અલગ રાખવામાં આવ્યા છે. જેમાં MBA, CA, CFA કે અન્ય માન્ય ગ્રેજ્યુએશન સાથે સંબંધિત ક્ષેત્રમાં ૩ થી ૧૫ વર્ષનો કામગીરીનો અનુભવ ધરાવતા ૨૩ થી ૫૦ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

 

૫ વર્ષનો કરાર અને શાનદાર પગાર ધોરણ:

 

પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક શરૂઆતમાં ૫ વર્ષના કોન્ટ્રાક્ટ પીરિયડ પર કરવામાં આવશે, જેને બેંકની જરૂરિયાત અને કામગીરીના આધારે લંબાવી શકાશે. ઉમેદવારનો વાર્ષિક સેલેરી પેકેજ (CTC) તેમના અનુભવ, વર્તમાન પગાર અને પોસ્ટિંગના સ્થળને ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યુ સમયે જ નક્કી કરવામાં આવશે.

 

પસંદગી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કરવાની રીત:

 

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા વિના માત્ર શોર્ટલિસ્ટિંગ અને ૧૦૦ ગુણના ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, જે ઓનલાઇન કે રૂબરૂ યોજાઈ શકે છે. ઈચ્છુક ઉમેદવારોએ એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.bank.in પર જઈ ‘Careers’ સેક્શનમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ પોતાના તમામ શૈક્ષણિક અને અનુભવના દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટો તથા સહી અપલોડ કરીને નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

(5:46 PM IST)