News of Tuesday, 7th July 2026
બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની સુવર્ણ તક: ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ૭૫૦ એપ્રેન્ટિસ પદો માટે બહાર પાડી બમ્પર ભરતી; ૨૦ જુલાઈ સુધી ઓનલાઈન અરજીની સુવિધા
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી જગ્યાઓ જાહેર; ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો માટે ૧૫,૫૦૦ રૂપિયા સુધીના સ્ટાઈપેન્ડ સાથે સરકારી બેંકમાં જોડાવાની ઉત્તમ તક

નવી દિલ્હી : બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા અને પોતાની કારકિર્દીને નવી ઉડાન આપવા માંગતા દેશના યુવાનો માટે એક ખુશખબર સામે આવ્યા છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક વર્ષના કરાર આધારિત સમયગાળા માટે કુલ ૭૫૦ એપ્રેન્ટિસ પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા આજથી એટલે કે ૭ જુલાઈથી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઈ નક્કી કરવામાં આવી છે.
ગુજરાત સહિત દેશભરમાં બેઠકોનું વિભાજન
આઈઓબી દ્વારા જાહેર કરાયેલી ૭૫૦ બેઠકોમાં સૌથી વધુ તમિલનાડુમાં ૨૦૦, ઉત્તર પ્રદેશમાં ૧૧૦, મહારાષ્ટ્રમાં ૮૫ અને દિલ્હીમાં ૫૩ જગ્યાઓ છે. ગુજરાતના ઉમેદવારો માટે પણ ૧૬ બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત બિહારમાં ૩give૫, પશ્ચિમ બંગાળમાં ૩૫ અને કેરળમાં ૩૩ બેઠકો સહિત દેશના ખૂણે-ખૂણે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આઈઓબીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ સાથે ઉમેદવારોએ NAPS, NATS અથવા BEEP પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવવી પડશે.
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું છે?
· લાયકાત: ઉમેદવાર ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોઈ પણ વિદ્યાશાખા (આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વગેરે) માં સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવો અનિવાર્ય છે.
· વયમર્યાદા: ૧ જુલાઈના રોજ ઉમેદવારની લઘુત્તમ ઉંમર ૨૦ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૮ વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના (SC/ST/OBC/PwBD) ઉમેદવારોને સરકારી નિયમોનુસાર વયમર્યાદામાં શરતી છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા, પરીક્ષાની તારીખ અને સ્ટાઈપેન્ડ
યોગ્ય ઉમેદવારોની પસંદગી ઓબ્જેક્ટિવ પ્રકારની ઓનલાઈન લેખિત પરીક્ષા, સ્થાનિક ભાષાની કસોટી (Local Language Test) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે તૈયાર થનારી ફાઈનલ મેરિટ લિસ્ટ મુજબ કરવામાં આવશે. ઓનલાઈન લેખિત પરીક્ષા આગામી ૨ ઓગસ્ટના રોજ યોજાશે. સફળતાપૂર્વક પસંદ પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન દર મહિને ૧૪,૦૦૦ થી ૧૫,૫૦૦ રૂપિયા સુધીનું આકર્ષક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
કેટેગરી મુજબ અરજી ફીનું માળખું
અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી ફી ચૂકવવાની રહેશે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે ફી ૯૪૪ રૂપિયા અને મહિલાઓ માટે ૭૦૮ રૂપિયા નક્કી કરાઈ છે, જ્યારે એસસી, એસટી અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારો માટે ફી માત્ર ૨૩૬ રૂપિયા રાખવામાં આવી છે. BEEP પોર્ટલ પર ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૨ જુલાઈ છે, તેથી ઉમેદવારોએ છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે વહેલી તકે અરજી કરી લેવી હિતાવહ છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
