<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ભારતીય વ્યાવસાયિકો માટે ગોલ્ડન તક: સ્પૉન્સર વિના યુએઈમાં નોકરી શોધવાનો માર્ગ મોકળો, ‘જોબ એક્સપ્લોરેશન વિઝિટ વિઝા’ થકી દુબઈ જઈને આપી શકશો ઇન્ટરવ્યુ!

૬૦, ૯૦ કે ૧૨૦ દિવસના વિઝા પસંદ કરવાની ઉત્તમ સુવિધા; ગ્રેજ્યુએટ્સ અને સ્કિલ શ્રમિકો હવે સ્પોન્સરશિપ વગર સીધા જ કંપનીઓમાં આપી શકશે વોક-ઈન ઇન્ટરવ્યુ.

નવી દિલ્હી : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પોતાની કરિયર બનાવવાનું સ્વપ્ન સેવતા ભારતીય વ્યાવસાયિકો માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. યુએઈ સરકારે ભારતીય નાગરિકો માટે સ્થાનિક નોકરીદાતા કે સ્પૉન્સર મેળવ્યા વિના સીધા જ દુબઈ જઈને નોકરી શોધવાની વિશેષ છૂટછાટ આપી છે. ‘જોબ એક્સપ્લોરેશન વિઝિટ વિઝા’ (Job Exploration Visit Visa) હેઠળ હવે યોગ્યતા ધરાવતા ભારતીય નોકરીવાંચ્છુઓ દુબઈ પહોંચીને સીધા કંપનીઓના વોક-ઈન ઇન્ટરવ્યુ અને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

 

આ સુવિધા હેઠળ અરજદારો તેમની અનુકૂળતા મુજબ ૬૦ દિવસ, ૯૦ દિવસ અથવા ૧૨૦ દિવસના સમયગાળા માટે વિઝા પસંદ કરી શકે છે. ખાસ પરિસ્થિતિઓમાં નિયમો હેઠળ આ રોકાણનો સમયગાળો ૧૮૦ દિવસ સુધી લંબાવી શકાય છે. આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ પાસે સ્નાતક (Bachelor's Degree) ની ડિગ્રી હોવી જરૂરી છે અથવા તો તેઓ માનવ સંસાધન અને એમિરાટાઇઝેશન મંત્રાલય (MOHRE) ના કૌશલ્ય સ્તર ૧, ૨ કે ૩ ની શ્રેણીમાં આવતા હોવા જોઈએ. ઉપરાંત, વિશ્વની ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાંથી છેલ્લા બે વર્ષમાં પાસ આઉટ થયેલા તાજેતરના ભારતીય ગ્રેજ્યુએટ્સ પણ આ વિઝા માટે સીધી અરજી કરી શકે છે.

 

અરજી કરવા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછી ૬ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ, પ્રમાણિત શૈક્ષણિક દસ્તાવેજો, તાજેતરના ફોટોગ્રાફ્સ અને રોકાણ દરમિયાન પોતાનો ખર્ચ ઉઠાવવા માટેના નાણાકીય પુરાવા હોવા આવશ્યક છે. GDRFA દુબઈની પોર્ટલ અથવા ICP ચાનલો દ્વારા ઓનલાઈન અરજી સબમિટ કરી શકાય છે. જોકે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ વિઝા માત્ર નોકરી શોધવા અને ઇન્ટરવ્યુ આપવાની મંજૂરી આપે છે, તેથી નોકરી કે વિઝાની ગેરંટી આપતા વચેટિયાઓ કે એજન્ટોથી સાવધ રહેવું અત્યંત જરૂરી છે.

(6:02 PM IST)