<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

આઈટી અને રિન્યૂએબલ સેક્ટરમાં રોકાણકારો માટે સોનેરી તક: 'આર્મી ઇન્ફોટેક'નો આઈપીઓ ૨૩ સપ્ટેમ્બરે ખુલ્લો મુકાશે, પ્રાઈસ બેન્ડ ૩૫૦થી ૩૭૫ રૂપિયા નક્કી

૩૦૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાનો કંપનીનો લક્ષ્યાંક: BSE અને NSE પર લિસ્ટિંગ માટે એન્કર રોકાણકારોની બિડિંગ ૨૨ સપ્ટેમ્બરે યોજાશે

અમદાવાદ: દેશના શેરબજારમાં રોકાણકારો માટે વધુ એક આકર્ષક આઈપીઓ (IPO) લાવવાની જાહેરાત થઈ ચૂકી છે. ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સક્રિય અગ્રણી કંપની 'આર્મી ઇન્ફોટેક લિમિટેડ' (ArMee Infotech Limited) દ્વારા તેમના પ્રારંભિક પબ્લિક ઓફરિંગની તારીખોની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. કંપનીનો આ આઈપીઓ આગામી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે રોકાણકારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી આમાં બિડ કરી શકશે.

 

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ પબ્લિક ઇશ્યૂ દ્વારા અપર પ્રાઈસ બેન્ડ પર આશરે રૂપિયા ૩૦,૦૦૦ લાખ (૩૦૦ કરોડ રૂપિયા) ફંડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઇશ્યૂ માટે પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ રૂપિયા ૩૫૦ થી રૂપિયા ૩૭૫ નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા ૧૦ રહેશે. રોકાણકારોએ લઘુતમ ૪૦ શેર્સ માટે અથવા તેના ગુણાંકમાં જ અરજી કરવાની રહેશે. આ આઈપીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સૂચિબદ્ધ (List) થશે.

 

રોકાણકારો માટે કેટેગરીવાર ફાળવણી અને ફંડના ઉપયોગની યોજના

 

આઈપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ અપનાવવામાં આવ્યો છે, જેમાં લઘુતમ ૫૨.૫૦ ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે, ૨૨.૫૦ ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અને ૨૫ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. QIB હિસ્સામાંથી ૬૦ ટકા સુધીનો ભાગ એન્કર રોકાણકારો માટે ફાળવવામાં આવશે, જેની બિડિંગ ૨૨ સપ્ટેમ્બરે યોજાશે. આ ઇશ્યૂના લીડ મેનેજર્સ તરીકે ખંડવાલા સીક્યોરિટીઝ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ સેવા આપી રહ્યા છે.

 

કંપની રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ આ ઇશ્યૂમાંથી મેળવનાર ભંડોળનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, તેમજ અમુક ચોક્કસ લોનની આગોતરી ચુકવણી અને સાધારણ કોર્પોરેટ હેતુઓ માટે કરશે. આઈપીઓ માર્કેટમાં સક્રિય રોકાણકારો માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

(10:36 PM IST)