<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

મોરેશિયસમાં સ્થાયી થવાની સુવર્ણ તક: દર વર્ષે 100 ધનિકોને આકર્ષવા માટે 'ગોલ્ડન વિઝા' પ્રોગ્રામ લોન્ચ, જાણો ભારતીયો માટે કેમ છે આકર્ષણનું કેન્દ્ર?

10 લાખ ડોલરના રોકાણ સાથે મળી શકશે રેસીડેન્સી: ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મૂડીરોકાણ વધારવા વડાપ્રધાન નવીનચંદ્ર રામગૂલમનો માસ્ટરપ્લાન

પોર્ટ લુઈસ:  વિશ્વના સુંદર દ્વીપ દેશોમાં જેની ગણના થાય છે તે મોરેશિયસ હવે વિશ્વભરના ધનિકોને આકર્ષવા માટે એક નવો 'ગોલ્ડન વિઝા' પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મોરેશિયસ સરકારનો લક્ષ્યાંક દર વર્ષે આશરે 100 હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓને (HNIs) પોતાના દેશમાં આકર્ષવાનો છે. આ યોજના હેઠળ, અરજદારોએ મોરેશિયસ આવ્યાના 12 મહિનાની અંદર ઓછામાં ઓછા $1 મિલિયન (આશરે 8.35 કરોડ રૂપિયા) નું રોકાણ કરવાનું રહેશે.
વડાપ્રધાન નવીનચંદ્ર રામગૂલમે સંસદમાં જણાવ્યું હતું કે, વિદેશીઓ તરફથી તેમના પરિવાર સાથે મોરેશિયસમાં સ્થાયી થવા માટે સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી, જેના પરિણામે આ નિર્ણય લેવાયો છે. સરકાર આ રોકાણનો ઉપયોગ ફિનટેક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બાયોટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં કરવા માંગે છે. આ પગલાથી મોરેશિયસના અર્થતંત્રમાં મોટી મૂડી આવવાની અપેક્ષા છે.
જ્યારે યુરોપના ઘણા દેશો મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના ડરથી તેમના ગોલ્ડન વિઝા કાર્યક્રમો બંધ કરી રહ્યા છે અથવા કડક બનાવી રહ્યા છે, ત્યારે મોરેશિયસે ખાતરી આપી છે કે તેમની પાસે નાણાકીય જોખમોને મેનેજ કરવા માટે અત્યંત મજબૂત 'ડ્યુ ડિલીજન્સ ફ્રેમવર્ક' ઉપલબ્ધ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે આ યોજનાથી સ્થાનિક હાઉસિંગ માર્કેટ પર કોઈ અસર નહીં પડે, કારણ કે વિદેશી રોકાણકારો શરૂઆતમાં હોટલ અથવા વિદેશીઓ માટે નક્કી કરેલી પ્રોપર્ટીમાં જ રહેશે.
ભારતીય બિઝનેસમેન અને પ્રવાસીઓ માટે મોરેશિયસ હંમેશા ફેવરિટ રહ્યું છે. ત્યાંના ટેક્સ ફ્રેન્ડલી વાતાવરણ અને લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે આ ગોલ્ડન વિઝા પ્રોગ્રામ ભારતીય રોકાણકારો માટે પણ આકર્ષક સાબિત થઈ શકે છે. અમેરિકા જેવા દેશો પણ સમાન રેસીડેન્સી-બાય-ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, ત્યારે મોરેશિયસ હવે આ રેસમાં સક્રિય રીતે જોડાઈ ગયું છે.

(6:57 PM IST)