<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

નાના શહેરોના હવાઈ મુસાફરો માટે ખુશખબર: પ્રાદેશિક એરલાઈન Fly91 ખરીદશે ૪૦ નવા ATR-72 વિમાનો, દેશભરમાં એર કનેક્ટિવિટી વધશે!

₹૮,૩૦૦ કરોડથી વધુના મેગા ઓર્ડરથી બમણો થશે એરક્રાફ્ટ ફ્લીટ: ટાયર-૨ અને ટાયર-૩ શહેરો વચ્ચે મુસાફરી થશે વધુ આસાન

નવી દિલ્હી | તા.૦૩: દેશના નાના અને અંતરિયાળ શહેરોમાં હવાઈ મુસાફરીને વધુ સરળ અને સુલભ બનાવવા માટે ભારતની ઝડપથી ઉભરતી પ્રાદેશિક એરલાઈન Fly91 એ એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. એરલાઈને દેશભરમાં પોતાના નેટવર્ક અને વિસ્તરણ માટે ૪૦ નવા ATR 72-600 ટર્બોપ્રોપ વિમાનો માટે કન્ફર્મ ઓર્ડર આપ્યો છે. એવિએશન સેક્ટરના નિષ્ણાતોના મતે, ભારતીય પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે તાજેતરના સમયમાં આ શ્રેણીનો સૌથી મોટો ઓર્ડર ગણવામાં આવી રહ્યો છે.

 

સૂચિબદ્ધ કેટલોગ કિંમતોના આધારે આ સમગ્ર મેગા ડીલનું કુલ મૂલ્ય ₹૮,૩૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે એરલાઈન્સને આટલા મોટા જથ્થાબંધ ઓર્ડર પર વિમાન ઉત્પાદક કંપની તરફથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. પોતાના આ વિસ્તરણ પ્લાનને ઝડપથી અમલી બનાવવા માટે Fly91 કંપની પોતાના હાલના અને નવા રોકાણકારો પાસેથી વધુ ₹૨૫૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં ચલાવી રહી છે.

 

આ નવા ૪૦ એરક્રાફ્ટના આગમન સાથે જ Fly91 નો વર્તમાન વિમાની કાફલો (ફ્લીટ) બમણાથી પણ વધુ થઈ જશે. હાલમાં આ એરલાઈન કેન્દ્ર સરકારની લોકપ્રિય 'ઉડાન' (UDAN) યોજના હેઠળ સિંધુદુર્ગ, જલગાંવ જેવા દેશના અનેક ટાયર-૨ અને ટાયર-૩ શહેરો વચ્ચે નાના એરક્રાફ્ટ દ્વારા ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

 

આ નવા વિમાનો મળવાથી દેશના એવા નાના શહેરો કે જેઓ હજુ સુધી મુખ્ય એરપોર્ટ્સ સાથે સીધા જોડાયેલા નથી, ત્યાં ઉત્તમ એર કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે. આ પગલાથી માત્ર પ્રવાસનને જ વેગ નહીં મળે, પરંતુ નાના શહેરોના આર્થિક વિકાસ અને સ્થાનિક વેપાર-રોજગારને પણ મોટી બૂસ્ટર ડોઝ મળશે.

 

(4:56 PM IST)