તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 24th October 2026
બેંક ગ્રાહકો અને રોકાણકારો માટે ખુશખબર: ICICI બેંક અને ઇન્ડિયન બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજદરમાં કર્યો મોટો વધારો
વરિષ્ઠ નાગરિકોને મળશે મહત્તમ ૭.૨૦ ટકા સુધીનું વળતર: ચોક્કસ મુદતની થાપણો અને સ્પેશિયલ સ્કીમ્સ પર રોકાણકારો માટે કમાણીની શ્રેષ્ઠ તક

અમદાવાદ : ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં પોતાની મહેનતની બચતનું રોકાણ કરીને સુરક્ષિત વળતર મેળવવા માંગતા ગ્રાહકો માટે બેંકિંગ ક્ષેત્રેથી એક અત્યંત રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની ICICI બેંક અને જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે અમુક ચોક્કસ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ગત ૨૩ ઓક્ટોબરથી અમલમાં આવેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ગ્રાહકોની સાથે-સાથે વરિષ્ઠ નાગરિકોને (સીનિયર સીટીઝન્સ) પણ પસંદગીની થાપણો પર અગાઉ કરતા વધુ આકર્ષક વ્યાજ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ICICI બેંકે ૨ વર્ષ ૧ દિવસથી લઈને ૧૦ વર્ષ સુધીની વિવિધ પાકતી મુદત ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો (૧૦ બેઝિસ પોઈન્ટ) વધારો કર્યો છે. આ ફેરફાર બાદ હવે ૨ વર્ષ ૧ દિવસથી ૩ વર્ષ સુધીની FD પર વ્યાજ દર ૬.૪૫% થી વધીને ૬.૫૫% થઈ ગયો છે. તે જ રીતે, ૩ વર્ષ ૧ દિવસથી ૫ વર્ષ સુધીની થાપણો તથા ૫ વર્ષની ટેક્સ સેવર FD પર હવે ૬.૫૦% ના બદલે ૬.૬૦% વ્યાજ ચૂકવવામાં આવશે. સામાન્ય ગ્રાહકો માટે બેંકના વ્યાજદર ૨.૭૫% થી ૬.૬૦% સુધીના રહેશે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે મહત્તમ વ્યાજદર ૭.૨૦% સુધી પહોંચી ગયો છે, જેનો લાભ ૩ થી ૫ વર્ષની FD પર મળશે.
બીજી તરફ, ઇન્ડિયન બેંકે પણ તેના ગ્રાહકોને દિવાળી પૂર્વે મોટી ભેટ આપતા તેની બે લોકપ્રિય સ્પેશિયલ FD યોજનાઓના વ્યાજદરમાં ૦.૧૫ ટકાનો વધારો ઝીંક્યો છે. આ સુધારા બાદ બેંકની 'ઇન્ડ ગ્રો' (૫૫૫ દિવસ) સ્પેશિયલ FD પર વ્યાજદર ૬.૬૫% થી વધીને ૬.૮૦% થયો છે, જ્યારે 'ઇન્ડ પ્રોસ્પર' (૭૭૭ દિવસ) FD યોજનામાં વ્યાજ દર ૬.૬૦% થી વધીને ૬.૭૫% કરી દેવામાં આવ્યો છે. આ નવા દરો રૂ. ૩ કરોડથી ઓછી રકમ ધરાવતી થાપણો પર લાગુ થશે. આ સ્પેશિયલ સ્કીમ્સ હેઠળ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય દર કરતા ૦.૫૦ ટકા વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે.
રોકાણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તહેવારોની મોસમમાં બેંકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ફેરફારોથી સલામત અને ચોક્કસ વળતર ઈચ્છતા રોકાણકારોને મોટો ફાયદો થશે. જો કે, કોઈપણ બેંકમાં નાણાં રોકતા પહેલા તેની સત્તાવાર વેબસાઈટ પર જઈને લાગુ પડતા સુધારેલા વ્યાજદર, પાકતી મુદત અને સમય પહેલાં નાણાં ઉપાડવા (પ્રિ-મેચ્યોર વિથડ્રોઅલ) અંગેના તમામ નિયમો તથા શરતો ખાસ ચકાસી લેવાની સલાહ આપવામાં આવે છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
