News of Saturday, 12th September 2026
દેહરાદૂન સહિત ઉત્તરાખંડ અને યુપીના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: ઉત્તરાખંડ સરકાર બાબા નીમ કરૌરી મહારાજ સાથે જોડાયેલા તમામ પવિત્ર સ્થળોને આવરી લઈને એક ભવ્ય અને વિશાળ 'ધાર્મિક ટૂરિઝમ સર્કિટ' તૈયાર કરશે
કૈંચી ધામથી લઈને અયોધ્યા-મથુરા સુધીના બાબાના તપોભૂમિ અને સાધના સ્થળો એક તાંતણે બંધાશે: પર્યટન મંત્રી સતપાલ મહારાજે આપી જાહેરાત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ હાથ મિલાવશે ઉત્તરાખંડ સરકાર, બૉલીવુડને અન્ય મહાન સંતો પર પણ ફિલ્મો બનાવવા અનુરોધ કરાયો

દેહરાદૂન: વિશ્વભરમાં અસંખ્ય ભક્તોની અગાધ આસ્થાનું કેન્દ્ર બનેલા પૂજ્ય બાબા નીમ કરૌરી મહારાજ સાથે જોડાયેલા તમામ પવિત્ર ધામોને હવે એક સુગ્રથિત ધાર્મિક પ્રવાસન માર્ગ એટલે કે 'ટૂરિઝમ સર્કિટ' તરીકે વિકસાવવાનો ઐતિહાસિક નિર્ણય ઉત્તરાખંડ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ મહત્ત્વકાંક્ષી યોજના હેઠળ માત્ર ઉત્તરાખંડ જ નહીં, પરંતુ પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવેલા બાબાના સ્મૃતિ સ્થળો અને તપોભૂમિને પણ એકબીજા સાથે જોડવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ સુગમતાથી તમામ સ્થળોના દર્શન કરી શકે.
ઉત્તરાખંડના પર્યટન અને ધર્મસ્વ મંત્રી સતપાલ મહારાજે શુક્રવારે ડાલનવાલા સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે ખાસ વાતચીત કરતા આ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વવિખ્યાત કૈંચી ધામ આ નીમ કરૌરી બાબા સર્કિટનું મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. આ ઉપરાંત કાકડીઘાટ, નૈનીતાલનું સુપ્રસિદ્ધ હનુમાન મંદિર, ઋષિકેશમાં આવેલું હનુમાન મંદિર તેમજ બાબા નીમ કરૌરી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે જે સ્થળોએ ભ્રમણ કર્યું હતું અને કઠોર સાધના કરી હતી, તે તમામ સ્થળોને ચિહ્નિત કરીને આ ખાસ સર્કિટમાં આવરી લેવામાં આવશે. આ માટે પર્યટન વિભાગના અધિકારીઓને તમામ સંબંધિત સ્થળોની સંપૂર્ણ માહિતી અને ડેટા એકત્રિત કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના પર્યટન મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે બાબા નીમ કરૌરી મહારાજની પવિત્ર સમાધિ આવેલી છે, આ ઉપરાંત યુપીમાં પણ બાબા સાથે જોડાયેલા અનેક ઐતિહાસિક અને આસ્થા ધરાવતા સ્થળો વિદ્યમાન છે. આ તમામ સ્થળોને પણ સર્કિટનો ભાગ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારનો સહયોગ લેવાશે. આ સંદર્ભે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખાસ વિનંતી કરવામાં આવી છે અને ત્યાના પર્યટન મંત્રી જયવીર સિંહને પણ લેખિત પત્ર મોકલીને આંતરરાજ્ય ધાર્મિક સર્કિટના વિકાસ માટે સહકાર માંગવામાં આવ્યો છે.
આ પત્રકાર પરિષદ દરમિયાન મંત્રી સતપાલ મહારાજે હિન્દી ફિલ્મ ઉદ્યોગ (બૉલીવુડ)ને પણ એક ખાસ આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાબા નીમ કરૌરી મહારાજના મહિમાની જેમ જ ભારતીય સંસ્કૃતિના અન્ય મહાન સંતો જેવા કે મહાવતાર બાબા, હેડાખાન બાબા, તાટ બાબા અને લહરી મહાશયના જીવન અને તેમની અલૌકિક સાધના પર આધારિત ચલચિત્રો અને બાયોપિક બનાવવામાં આવે. આ માટે તેઓ ટૂંક સમયમાં જ બૉલીવુડના અગ્રણી નિર્માતાઓ અને નિર્દેશકો સાથે મુલાકાત કરીને અનુરોધ કરશે, જેથી દેશ-વિદેશના યુવાનો અને નવી પેઢી આપણા મહાન ભારતીય સંતોના જીવન અને વિચારોથી પરિચિત થઈ શકે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
