<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અગ્નિવીરો માટે ખુશ ખબરઃ લશ્‍કરમાં ‘કાયમી' થવાની તક ૨૫% થી વધીને ૭૫% થવાના એંધાણ

ચાર વર્ષની સેવા બાદ સૈનિકોને છૂટા કરવાના બદલે સેનામાં જ જાળવી રાખવા માટે સરકાર સમક્ષ મૂકયો મોટો પ્રસ્‍તાવ

નવી દિલ્‍હી, તા.૬: દેશની સુરક્ષા કાજે અગ્નિપથ યોજના હેઠળ જોડાયેલા અગ્નિવીરો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર આવી રહ્યા છે. ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી નિવળત્ત થવાની ચિંતા વચ્‍ચે, હવે આ યુવાનોને ભારતીય સેનામાં જ નિયમિત અને કાયમી સૈનિક બનવાની બંપર તક મળી શકે તેમ છે. સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સે વર્તમાન ૨૫ ટકા કાયમી રાખવાની મર્યાદાને નોંધપાત્ર રીતે વધારવા માટે સરકાર સમક્ષ એક દમદાર પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. જો કેન્‍દ્ર સરકાર દ્વારા આ ઐતિહાસિક દરખાસ્‍તને લીલી ઝંડી મળી જશે, તો સરહદ પર દેશની રક્ષા કરતા હજારો નવયુવાનોનું ભવિષ્‍ય વધુ સુરક્ષિત અને ઉજ્જવળ બનશે.

આ આયોજન પાછળ સશષા દળોનો તર્ક અત્‍યંત વ્‍યવહારુ અને દેશહિતનો છે. લશ્‍કરી વડાઓનું માનવું છે કે ચાર વર્ષના કડક અને આધુનિક સૈન્‍ય-શિક્ષણ દરમિયાન આ અગ્નિવીરો અત્‍યાધુનિક હથિયારો, હાઈ-ટેક સિસ્‍ટમ્‍સ અને યુદ્ધ કૌશલ્‍યમાં માહિર થઈ ચૂકયા હોય છે. આવા સુસજ્જ અને શિસ્‍તબદ્ધ સૈનિકોને સેનામાંથી મુક્‍ત કરવાના બદલે જો તેમને સેવામાં જાળવી રાખવામાં આવે, તો રાષ્‍ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે. આ અંતર્ગત નૌકાદળે તો ૭૫ ટકા સુધીના અગ્નિવીરોને કાયમી રાખવાની ભલામણ કરી છે, જ્‍યારે આર્મી અને એરફોર્સ આ મર્યાદા ૫૦ ટકા સુધી લઈ જવાના પક્ષમાં છે.

આ વર્ષે જ અગ્નિવીરોની પ્રથમ બેચ પોતાની ચાર વર્ષની સેવા પૂર્ણ કરવા જઈ રહી છે, જેને કારણે સંરક્ષણ મંત્રાલયનો લશ્‍કરી બાબતોનો વિભાગ આ પ્રસ્‍તાવ પર ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરી રહ્યો છે. એકતરફ જ્‍યાં આ ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ દેશભરમાં અગ્નિવીરોની ભરતી અને તાલીમ પ્રક્રિયા પણ બમણી ઝડપે આગળ વધી રહી છે. હાલમાં જ આશરે ૭૦,૦૦૦ યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આગામી તબક્કામાં વધુ ૯૦,૦૦૦ નવા જવાનોની ભરતીનું લક્ષ્ય છે, જેથી સેનામાં સૈનિકોની અછતને કાયમ માટે અલવિદા કહી શકાય અને દેશના સૈન્‍ય બળને એક નવી અને યુવા ઉર્જા પ્રદાન કરી શકાય

(4:03 PM IST)