<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

બ્રિટનથી ભારતીય નિકાસકારો માટે ખુશીના સમાચાર: યુકેએ ભારતની CCTS સ્કીમને આપી મંજૂરી, ડબલ કાર્બન ટેક્સથી મળશે મુક્તિ, હવે યુરોપિયન યુનિયન પર મંડાયી નજર!

મુક્ત વેપાર કરાર બાદ ભારત-યુકે વેપાર સંબંધોમાં વધુ એક મોટી સફળતા; સ્ટીલ, એલ્યુમિનિયમ અને સિમેન્ટ ક્ષેત્રના ભારતીય વેપારીઓને મળશે સીધો આર્થિક ફાયદો.

નવી દિલ્હી, તા. ૦8: યુનાઇટેડ કિંગડમ (UK) તરફથી ભારતીય ઉદ્યોગો અને નિકાસકારો માટે એક અત્યંત રાહતજનક અને આર્થિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત અને યુકે વચ્ચે ૧૫ જુલાઈથી અમલમાં આવેલા ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) બાદ હવે બ્રિટન સરકારે ભારતની 'કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ' (CCTS) ને સત્તાવાર રીતે માન્યતા આપી દીધી છે. બ્રિટનના આ નિર્ણયને કારણે બ્રિટિશ બજારમાં નિકાસ કરતા ભારતીય વેપારીઓને હવે 'ડબલ કાર્બન ટેક્સેશન' નો સામનો કરવો પડશે નહીં. આ નિર્ણાયક પગલાથી બ્રિટન સાથે ભારતના દ્વિપક્ષીય વેપારને એક નવી ઊંચાઈ અને મોટી આર્થિક સ્પીડ મળશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, યુકે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી પોતાનો 'કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ' (CBAM) કાયદો અમલમાં મૂકવા જઈ રહ્યું છે. આ કાયદા હેઠળ બ્રિટનમાં આયાત થતા સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, ખાતર અને હાઇડ્રોજન જેવા ઉદ્યોગો પર કાર્બન ઉત્સર્જનના આધારે વધારાની ટેક્સ ડ્યુટી લાદવામાં આવનાર હતી. પરંતુ હવે યુકે દ્વારા ભારતની CCTS સિસ્ટમને માન્યતા મળી જતાં, ભારતીય પ્રોડક્ટ્સ પર ભારતમાં જ ચુકવાયેલા કાર્બન ભાવને યુકે સ્વીકારશે. પરિણામે, બ્રિટિનમાં ભારતીય માલ પર લાગતી વધારાની CBAM ડ્યુટીમાં મોટો ઘટાડો થશે, જેનાથી ભારતીય માલ યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક અને સસ્તો બનશે.

ઉલ્લેખનીય છે કે યુકે સરકારે વિશ્વભરમાંથી માત્ર ૧૬ દેશોની કાર્બન પ્રણાલીઓને આ વિશિષ્ટ માન્યતા આપી છે, જેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા વિકસિત દેશો સાથે હવે ભારતની CCTS નો પણ સમાવેશ થઈ ગયો છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટેકનિકલ વાટાઘાટો બાદ આ સફળતા મળી છે. બ્રિટન દ્વારા મળેલા આ લીલા ઝંડા બાદ હવે ભારત માટે યુરોપિયન યુનિયન (EU) સાથે પણ આવી જ અનુકૂળ વ્યવસ્થા પ્રાપ્ત કરવાનો માર્ગ સુગમ બન્યો છે, જેના પર હાલ સમગ્ર દેશના નિકાસકારોની મીટ મંડાયેલી છે.

(4:18 PM IST)