તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
UAEમાં નોકરી કરતા લાખો ભારતીયો માટે આનંદના સમાચાર: ૧ જૂનથી ખાનગી કંપનીઓએ દર મહિનાની ૧લી તારીખે જ ચૂકવવો પડશે પગાર!
અલ-આઈન અને દુબઈ સહિત સમગ્ર અમીરાતમાં વેતન ચુકવણીના નિયમો કરાયા અત્યંત કડક; નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે ‘MOHRE’ લેશે કાયદાકીય એક્શન

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં નોકરી કરતા લાખો વિદેશીઓ અને ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે એક ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. UAE સરકાર આગામી ૧ જૂન, ૨૦૨૬થી પ્રાઈવેટ સેક્ટર એટલે કે ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે વેતન ચૂકવણીના નિયમોને અત્યંત કડક બનાવવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર, હવે તમામ ખાનગી કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખ સુધીમાં જ પોતાના કર્મચારીઓના બેંક ખાતામાં પગાર જમા કરાવી દેવો પડશે. જો કોઈ કંપની મહિનાની પહેલી તારીખ પછી પગાર ચૂકવશે, તો તેને માનવ સંસાધન અને અમીરાતીકરણ મંત્રાલય (MOHRE) દ્વારા વિલંબિત એટલે કે મોડો ચૂકવાયેલો પગાર ગણવામાં આવશે અને આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ગલ્ફ ન્યૂઝના સત્તાવાર અહેવાલ મુજબ, અત્યાર સુધીના જૂના નિયમો પ્રમાણે નોકરીદાતાઓ અથવા કંપનીઓ પાસે પાછલા મહિનાના વેતનની પ્રક્રિયા પૂરી કરવા માટે ચાલુ મહિનાની ૧૫મી તારીખ સુધીનો સમય મળતો હતો. પરંતુ ૧ જૂનથી અમલી બનનારા નવા સુધારાના કારણે આ સમયમર્યાદા સાવ ટૂંકી થઈ જશે. આ ફેરફારથી UAEમાં કાર્યરત તમામ નાના-મોટા વ્યવસાયો, આઈટી, કન્સ્ટ્રક્શન અને કોમર્શિયલ સેક્ટરની વેતન પ્રણાલી પર સીધી અસર પડશે. આ નવી વ્યવસ્થાને કારણે હવે કંપનીઓની ફાયનાન્સ અને એચઆર (HR) ટીમોએ પગારની તમામ આંતરિક પ્રક્રિયાઓ વહેલી પૂરી કરવી પડશે.
શું છે નવો વેતન સુરક્ષા નિયમ?
UAE સરકાર ઇલેક્ટ્રોનિક પગાર ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે 'વેતન સુરક્ષા સિસ્ટમ' (WPS) દ્વારા તમામ કર્મચારીઓના પગાર પર સીધી નજર રાખે છે. નવા નિયમો હેઠળ, વેતન ટ્રાન્સફર પાલન મર્યાદા (Compliance Threshold) પણ ૮૦% થી વધારીને ૮૫% કરવામાં આવી છે. એટલે કે, કર્મચારીને તેના કુલ હકદાર વેતનના ઓછામાં ઓછા ૮૫% ચૂકવાય, તો જ તેને કાયદેસર ચૂકવણી ગણવામાં આવશે.
નવા અપડેટ કરાયેલા કાયદામાં જો કોઈ કંપની કર્મચારીઓનો પગાર રોકી રાખે અથવા ચૂકવવામાં વિલંબ કરે, તો તેના ત્વરિત ઉકેલ માટે એક નવી વિવાદ નિવારણ પદ્ધતિ (Dispute Resolution Mechanism) પણ રજૂ કરવામાં આવનાર છે. આ સિસ્ટમથી શ્રમિકો અને કર્મચારીઓના હિતોનું રક્ષણ વધુ મજબૂત બનશે. આ ફેરફારોને કારણે હવે અમીરાતની તમામ કંપનીઓએ પોતાની સેલેરી પ્રોસેસ ફાસ્ટ કરવી પડશે અને માનવ સંસાધન તેમજ નાણાકીય વિભાગો વચ્ચે તાલમેલ વધારવો પડશે, જેથી ૧લી તારીખની ડેડલાઈન ચૂકાય નહીં.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
