News of Monday, 14th September 2026
સહારા ગ્રુપના થાપણદારો માટે ખુશખબર: કેન્દ્ર સરકારે CRCS રિફંડ પોર્ટલ ફરી શરૂ કર્યું, હવે રોકાણકારો ₹૧૦ લાખ સુધીના રિફંડ માટે કરી શકશે દાવો
તકનીકી ભૂલોના કારણે અટકેલી ૨૦ લાખ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પુનઃ શરૂ; આધાર અને બેંક ખાતા સાથે જોડાયેલી પ્રક્રિયાથી ૪૫ દિવસમાં નાણાં સીધા ખાતામાં જમા થશે

નવી દિલ્હી, તા.૧૪: સહારા ગ્રુપની વિવિધ સહકારી મંડળીઓમાં જેમના નાણાં લાંબા સમયથી અટવાયેલા છે તેવા લાખો થાપણદારો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત રાહતજનક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 'CRCS-સહારા રિફંડ પોર્ટલ'ને નવી સુવિધાઓ સાથે ફરીથી સક્રિય (Re-launch) કર્યું છે. આ નિર્ણયથી અગાઉ નાની તકનીકી ભૂલો કે ખૂટતા દસ્તાવેજોના કારણે જે ૨૦ લાખથી વધુ સાચા થાપણદારોની અરજીઓ અટકી પડી હતી, તેમને હવે ફરીથી અરજી (Re-submission) કરીને પોતાના નાણાં પરત મેળવવાની સોનેરી તક મળી છે. પાત્ર અરજદારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા આ અંગે માર્ગદર્શન પણ મોકલવામાં આવી રહ્યું છે.
નવા સુધારેલા નિયમો અનુસાર, પોર્ટલ પર દાવાની સ્થિતિ અને પ્રકાર મુજબ રિફંડની મર્યાદા ₹૫૦,૦૦૦ થી વધારીને ₹૧૦ લાખ સુધીની કરવામાં આવી છે. જે થાપણદારો પહેલીવાર નવો દાવો સબમિટ કરી રહ્યા છે, તેમના માટે મહત્તમ રિફંડ મર્યાદા અગાઉના ₹૧૦,૦૦૦થી વધારીને પ્રતિ થાપણદાર ₹૫૦,૦૦૦ કરવામાં આવી છે. બીજી તરફ, જે રોકાણકારોની અગાઉની અરજીઓમાં ક્ષતિઓ હતી અને તેઓ હવે સુધારા સાથે પુનઃ-અરજી (Re-submission) કરી રહ્યા છે, તેઓ પોતાના રોકાણના આધારે ₹૧૦ લાખ સુધીનો દાવો કરી શકશે. આ તબક્કાવાર પ્રક્રિયાથી મોટી રકમનું રોકાણ કરનારા નાના-મોટા તમામ થાપણદારોને મોટો લાભ મળશે.
અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો
રિફંડ મેળવવા માટે થાપણદારોએ CRCS-સહારા રિફંડ પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- ઓટીપી અને ચકાસણી: આ માટે આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને આધાર કાર્ડની વિગતો જરૂરી રહેશે.
- રોકાણનો પુરાવો: સભ્યપદ (Membership) નંબર તથા સંબંધિત સહકારી મંડળીમાં નાણાં જમા કરાવ્યાની રસીદ કે પુરાવા અપલોડ કરવાના રહેશે.
- PAN કાર્ડ: જો દાવો કરેલી રિફંડની રકમ ₹૫૦,૦૦૦ થી વધુ હશે તો PAN કાર્ડ રજૂ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
૪૫ દિવસમાં સીધા ખાતામાં ટ્રાન્સફર થશે રકમ
નવા નિયમો મુજબ, દાવો સબમિટ કર્યા બાદ સંબંધિત સહારા સહકારી મંડળી ૩૦ દિવસની અંદર અરજી અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરશે. ત્યારબાદ, આગામી ૧૫ દિવસમાં કેન્દ્રીય રજિસ્ટ્રાર (Central Registrar of Cooperative Societies) દ્વારા આ દાવાની આખરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આમ, સમગ્ર પ્રક્રિયા મહત્તમ ૪૫ દિવસમાં પૂર્ણ કરી દેવાશે અને મંજૂર થયેલી રિફંડની રકમ સીધી થાપણદારના આધાર-લિંક્ડ બેંક ખાતામાં (DBT મારફતે) ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
