તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 9th September 2026
સહારાના રોકાણકારો માટે ખુશખબર: CRCS-સહારા રિફંડ પોર્ટલ ફરી શરૂ, ૨૦ લાખથી વધુ પેન્ડિંગ દાવાઓનો ટૂંક સમયમાં થશે નિકાલ!
સહકાર મંત્રાલયની મોટી જાહેરાત; અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ થાપણદારોને ₹૯,૨૬૭ કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી, બાકી રહેલા દાવાઓની પ્રક્રિયા ઝડપી બનાવાઈ

નવી દિલ્હી : સહારા ગ્રુપની સહકારી મંડળીઓમાં નાણાં રોકનારા લાખો રોકાણકારો માટે રાહતના અહેવાલ આવ્યા છે. કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા સહારા રિફંડ પોર્ટલને પુનઃસક્રિય (Reactivate) કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓના સાચા થાપણદારો માટે રિફંડ દાવાઓની ચકાસણી અને પૈસા પાછા આપવાની પ્રક્રિયા ફરી એકવાર પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પોર્ટલ પર હાલમાં અટકેલી અંદાજે ૨૦ લાખથી વધુ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.
ટેકનિકલ અને વહીવટી અડચણો દૂર કરાઈ:
નવેમ્બર ૨૦૨૫ થી કેટલીક ટેકનિકલ, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી સમસ્યાઓને કારણે રિફંડ પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે, સહકાર મંત્રાલય અને સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) એ તમામ ટેકનિકલ ખામીઓ અને સ્ટાફિંગ સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવીને પોર્ટલને ફરી સંપૂર્ણ રીતે સક્રિય કરી દીધું છે.
આટલા થાપણદારોને મળ્યા નાણાં:
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ૧૮ જુલાઈ ૨૦૨૩ ના રોજ પોર્ટલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૪૧,૫૬,૭૧૧ થી વધુ થાપણદારોને ₹૯,૨૬૭ કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન, પારદર્શક અને પેપરલેસ રાખવામાં આવી છે.
નાણાં મેળવવા માટે આ પ્રક્રિયા અનુસરવી:
રિફંડ મેળવવા માટે થાપણદારોની સભ્યપદ વિગતો, ખાતાની માહિતી, ડિપોઝિટ સર્ટિફિકેટ અને રસીદોની ચકાસણી સંબંધિત સોસાયટીના રેકોર્ડ સાથે કરવામાં આવે છે. ચકાસણી સફળ થયા બાદ પાત્ર રકમ સીધી થાપણદારના આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રાલયે તમામ રોકાણકારોને કોઈ પણ અનધિકૃત એજન્ટ કે વચેટિયાઓની જાળમાં ફસાયા વિના માત્ર અધિકૃત પોર્ટલ દ્વારા જ જરૂરી દસ્તાવેજો સાથે દાવો સબમિટ કરવા અપીલ કરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
