તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
કેનેડા જનારાઓ માટે ખુશખબર: ટેમ્પરરી વર્કર્સને ફટાફટ મળશે કાયમી રહેઠાણ (PR), ભારત સહિતના હજારો કામદારોને થશે સીધો ફાયદો
કેનેડા સરકારની 'વન-ટાઈમ' વિશેષ યોજના: નાના શહેરોમાં વસતા ૩૩,૦૦૦ કામદારોને ૨૦૨૭ સુધીમાં કાયમી નાગરિકત્વ આપવાનું લક્ષ્ય - કોઈ નવી અરજી કરવાની જરૂર નથી

ઓટ્ટાવા: કેનેડામાં વસવાટ કરવા ઈચ્છતા અને ત્યાં પહેલેથી જ ટેમ્પરરી વર્કર તરીકે કામ કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગ (IRCC) દ્વારા 'ઈન-કેનેડા વર્કર્સ ઈનિશિએટિવ' હેઠળ એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પહેલેથી જ સિસ્ટમમાં રહેલા કામદારોને ફાસ્ટ-ટ્રેક ધોરણે પરમેનન્ટ રેસિડન્સી (PR) આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ કેનેડાના નાના સમુદાયો અને ગ્રામીણ વિસ્તારોમાં મજૂર શક્તિની અછતને દૂર કરવાનો છે.
કોને મળશે લાભ?
આ યોજનાનો લાભ એવા લોકોને મળશે જેમણે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) અથવા એટલાન્ટિક ઈમિગ્રેશન પ્રોગ્રામ જેવા અસ્તિત્વમાં રહેલા પ્રોગ્રામ હેઠળ અરજી કરી છે. ખાસ કરીને એવા કામદારો કે જેઓ કેનેડાના નાના શહેરોમાં છેલ્લા બે વર્ષથી રહી રહ્યા છે, તેમને આ પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કેનેડા સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માટે ઉમેદવારે કોઈ નવી અરજી કરવાની જરૂર નથી, પરંતુ સરકાર પોતે જ લાયક ઉમેદવારોની પસંદગી કરીને તેમની ફાઈલ પર ઝડપથી પ્રક્રિયા કરશે.
૩૩,૦૦૦ કામદારોને PR આપવાનું લક્ષ્ય
આ એક વખતની (one-time) પહેલ હેઠળ વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ દરમિયાન અંદાજે ૩૩,૦૦૦ કામદારોને કાયમી રહેઠાણનો દરજ્જો આપવાનું લક્ષ્ય રખાયું છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ બે મહિનામાં જ અંદાજે ૩,૬૦૦ વર્કર્સને આ યોજના હેઠળ PR આપી દેવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૭ સુધીમાં દેશમાં ટેમ્પરરી રહેવાસીઓની સંખ્યા કુલ વસ્તીના ૫% થી નીચે લાવવામાં આવે.
ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન
કેનેડામાં માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ આર્થિક વિકાસ થાય તે માટે આ નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે. ખેતીવાડી, હેલ્થકેર અને અન્ય સર્વિસ સેક્ટરમાં કામ કરતા લોકો કે જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થયા છે, તેમને આ નવી પોલિસીથી સૌથી વધુ ફાયદો થશે. કેનેડા સરકાર માને છે કે આનાથી નાના શહેરોમાં એમ્પ્લોયરોને લાંબા ગાળા માટે કામદારો મળી રહેશે.
કેનેડાના આ નિર્ણયથી હજારો ભારતીય યુવાનો, જેઓ ત્યાં વર્ક પરમિટ પર છે, તેમના માટે કાયમી નાગરિકત્વ મેળવવાનો રસ્તો વધુ સરળ અને ઝડપી બનશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
