તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
'ગૂગલે કર્મચારીઓની ભરતી કરતી વખતે વધુ સાવચેત રહેવું જોઈએ': મહિલાની વાયરલ પોસ્ટથી સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા, ગૂગલ કર્મચારી ફ્લેટમેટ ઓફિસમાંથી દૂધના કેન અને ફળો ઘરે ભરી લાવતો હોવાનો દાવો
કર્મચારીઓ દ્વારા ઓફિસની સુવિધાઓનો દુરુપયોગ કરવાના મુદ્દે નવો વિવાદ, સહિયારા ફ્રિજમાં જગ્યા રોકાતા ફ્લેટમેટે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ અને સામાજિક શિષ્ટાચાર પર ઉઠાવ્યા સવાલો

બેંગલુરુ : ટેક જાયન્ટ ગૂગલ જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને મળતી આકર્ષક સુવિધાઓ (પર્ક્સ) અને ઓફિસના શિષ્ટાચારને લઈને સોશિયલ મીડિયા પર એક નવો અને રસપ્રદ વિવાદ શરૂ થયો છે, જ્યાં એક યુવતીએ પોતાના જ ફ્લેટમેટ સામે ગંભીર આક્ષેપ કર્યો છે કે તે ગૂગલ ઓફિસમાંથી દૂધના કેન અને ફળો ઘરે ઉઠાવી લાવે છે.
'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર નિશા આનંદાની નામની યુઝર દ્વારા શેર કરવામાં આવેલી આ વાયરલ પોસ્ટ અનુસાર, તેનો ફ્લેટમેટ જે ગૂગલમાં નોકરી કરે છે, તે ઓફિસમાંથી મફતમાં મળતી ખાણીપીણીની વસ્તુઓ અને ફળો બેફામપણે ઘરે લઈ આવે છે અને પોતાના માત્ર ત્રણ દિવસના આગમનમાં જ તેણે ઘરનું સહિયારું ફ્રિજ સંપૂર્ણપણે કબજે કરી લીધું છે.
યુવતીએ સ્વીકાર્યું હતું કે કેટલીક કંપનીઓ કર્મચારીઓને નાની-મોટી વસ્તુઓ ઘરે લઈ જવાની છૂટ આપતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિ પોતાની પાયાની સામાજિક સમજ (સિવિક સેન્સ) અને સાથે રહેતા અન્ય રૂમમેટ પ્રત્યેની જવાબદારી ભૂલી જાય, અને તેણે કટાક્ષ કરતા ગૂગલને સલાહ આપી કે કંપનીએ ભવિષ્યમાં ભરતી કરતી વખતે વધુ કાળજી રાખવી જોઈએ જેથી આવા કિસ્સાઓ ન બને.
આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તરફથી ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં શાલિની નામની અન્ય એક યુઝરે સમર્થન આપતા દાવો કર્યો હતો કે આવા અતિલોભી વર્તનને કારણે જ ઘણીવાર કંપનીઓએ માઇક્રો કિચન બંધ કરવા જેવા કડક પગલાં લેવા પડે છે, જ્યારે પ્રીતિકા નામના યુઝરે લખ્યું હતું કે લાખો રૂપિયાનો પગાર મેળવતા હોવા છતાં કેટલાક લોકો "મફત છે એટલે લઈ લો" તેવી માનસિકતામાંથી બહાર આવી શકતા નથી.
કાર્યસ્થળ પર મળતી સુવિધાઓનો અંગત જીવનમાં ઉપયોગ કરવા અને સહિયારી જગ્યાના શિષ્ટાચાર અંગે છેડાયેલી આ ચર્ચાએ કોર્પોરેટ વર્તુળોમાં પણ નવું જ સમીકરણ ઊભું કર્યું છે, જોકે આ મામલે સંબંધિત ફ્લેટમેટ કે ગૂગલ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
