<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

વધુ પડતી RAM વાપરતી એન્ડ્રોઇડ એપ્સ પર ગૂગલનો મોટો ચાબુક: ડેવલપર્સ નહીં સુધરે તો પ્લે સ્ટોર પરથી થશે ગાયબ!

સ્માર્ટફોનના પરફોર્મન્સને જાળવી રાખવા અને સિસ્ટમને હેંગ થતી અટકાવવા ગૂગલ પ્લે સ્ટોર લાવ્યું કડક મેમરી લિમિટ નિયમો : નિયમોનું ઉલ્લંઘન કરનાર એપ્સ અને ગેમ્સની વિઝિબિલિટી પર મુકાશે પ્રતિબંધ

કેલિફોર્નિયા: સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સતાવતી 'મોબાઈલ હેંગ' અને સ્લો પરફોર્મન્સની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગૂગલ  એક ક્રાંતિકારી અને કડક નીતિ લઈને આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એન્ડ્રોઇડ એપ્સ માટે મેમરી વપરાશ (RAM Usage) અને પ્રોસેસિંગ સ્પીડ અંગે નવા ગુણવત્તા ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. ગ્લોબલ માર્કેટમાં મોબાઇલ હાર્ડવેર અને મેમરી ચિપ્સના સપ્લાય પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે હવેથી કોઈ પણ એક સિંગલ એપ ઉપકરણની અનલિમિટેડ RAM અથવા બેકગ્રાઉન્ડ સંસાધનોનો દુરુપયોગ કરીને આખા ફોનને ધીમો પાડી શકશે નહીં.

નવી નીતિ મુજબ ગૂગલે એપ ડેવલપર્સ માટે ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં પરફોર્મન્સ લિમિટ નક્કી કરી છે: કોડ ઓપ્ટિમાઇઝેશન, બીટમેપ મેમરી વપરાશ અને ડાયનેમિક મેમરી મેનેજમેન્ટ. ડેવલપર્સે R8 જેવા આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની એપ્લિકેશનના કોડને ઓછામાં ઓછો ૨૫% સુધી કમ્પ્રેસ અને ઓપ્ટિમાઇઝ કરવો ફરજિયાત રહેશે. જે એપ્સ અથવા ગેમ્સ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે. ડેવલપર્સને મદદ કરવા માટે ગૂગલ પ્લે કન્સોલમાં 'આઉટ-ઓફ-મેમરી ક્રેશ ફિલ્ટર' અને હાઇ-મેમરી એલર્ટ જેવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ આપશે જેથી તેઓ પોતાની એપ્સ સુધારી શકે.

ગૂગલ આ નવા કડક નિયમોને ફેબ્રુઆરી ૨૦૨૭ થી પ્લે સ્ટોર પર સંપૂર્ણપણે લાગુ કરવા જઈ રહ્યું છે. જે એપ્સ આ મેમરી અને પરફોર્મન્સ મર્યાદાઓનું પાલન નહીં કરે, તેમની ગૂગલ પ્લે સ્ટોર પરથી વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટાડી દેવામાં આવશે અથવા તેમની પબ્લિશિંગ સુવિધાઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. આ ઉપરાંત, ગૂગલે 'ઝીરો ટેપ સાઇન-ઇન' સ્ટાન્ડર્ડ પણ રજૂ કર્યું છે, જેનાથી યુઝર જ્યારે પણ નવો એન્ડ્રોઇડ ફોન બદલશે ત્યારે તેની વિવિધ એપ્સમાં સાઇન-ઇન સ્ટેટસ આપોઆપ રીસ્ટોર થઈ જશે.

(7:27 PM IST)