તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
NEET વિરોધના વંટોળ સામે ઝૂકી સરકાર: જાણો કોણ છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અપાવનાર 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકે!
' વંદા સાથે છેડછાડ ન કરો, આ તો પહેલી વિકેટ છે': શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ CJP સુપ્રીમોનું આક્રમક નિવેદન, મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂ. ૧ કરોડ વળતર અને પોલીસ સામે કાર્યવાહીની કરી માંગ

નવી દિલ્હી : NEET-UG પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતાઓને લઈને દેશભરમાં સળગેલી આંદોલનની જ્વાળા આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે શાંત થઈ છે. પરંતુ આ સમગ્ર વિરોધ પ્રદર્શનને દેશવ્યાપી આંદોલનમાં ફેરવી સરકારને ઘૂંટણિયે લાવનાર મુખ્ય ચહેરો 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકે બન્યા છે. સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક ચળવળથી શરૂ થયેલી CJP ના નેજા હેઠળ હજારો વિદ્યાર્થીઓએ દિલ્હીના જંતર-મંતર પર ડેરા તંબુ તાણ્યા હતા, જેના કારણે કેન્દ્ર સરકાર પર ભારે દબાણ ઊભું થયું હતું.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જન્મેલા ૩૦ વર્ષીય અભિજીત દીપકે એક પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટેટેજિસ્ટ છે. પુણેમાંથી પત્રકારત્વની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું છે. ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી (AAP) ની સોશિયલ મીડિયા અને ચૂંટણી પ્રચાર ટીમનો મહત્વનો ભાગ રહ્યા હતા. અમેરિકામાં હતા ત્યારે જ તેમણે આ આંદોલનની રૂપરેખા તૈયાર કરી હતી અને બાદમાં ભારત આવીને 'ચલો સંસદ' કૂચનું આયોજન કર્યું હતું. ૨૦ જુલાઈએ દિલ્હીમાં થયેલી હિંસા અને લાઠીચાર્જ છતાં તેમણે આંદોલન ચાલુ રાખ્યું અને શુક્રવારે સરકાર સાથેની વાટાઘાટોમાં ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા અભિજીત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈના રાજીનામા નથી હોતા, પણ દુનિયા ઝૂકે છે તેને ઝુકાવનાર જોઈએ. પરંતુ આ તો માત્ર પહેલી વિકેટ છે, અમારી લડાઈ અહીં પૂરી નથી થતી." તેમણે સ્પષ્ટ કર્યું કે આત્મહત્યા કરનાર તમામ NEET પરીક્ષાર્થીઓના પરિવારજનોને રૂ. ૧ કરોડનું વળતર આપવામાં આવે અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, "મને કોઈ હીરો ન બનાવો. એક વ્યક્તિને હીરો બનાવવાને કારણે જ દેશને નુકસાન થાય છે, આ સફળતા ૩૬ દિવસથી રસ્તા પર બેઠેલા તમામ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની છે."
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
