<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

"સરકાર 'All Is Well' નો મંત્ર જપે છે પણ વાસ્તવિકતા અલગ": તહેવારોમાં ડીજેના ઘોંઘાટ અને ફટાકડા પર બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ, સત્તાવાળાઓની આકરી ઝાટકણી કાઢી

સરઘસોમાં લેસર લાઈટ્સ, હાઈ-ઈન્ટેન્સિટી બીમ અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા કોર્ટનો આદેશ: વરિષ્ઠ નાગરિકો અને બાળકોની સુરક્ષા માટે કડક નિવારક વ્યવસ્થા ઊભી કરવા માંગ.

મુંબઈ : ગણેશોત્સવ અને આગામી તહેવારો દરમિયાન ધ્વનિ અને વાયુ પ્રદૂષણના નિયમોના સરકારી અમલીકરણ સામે બોમ્બે હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરતા હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સત્તાવાળાઓ પ્રદૂષણ નિયંત્રણ અંગે "ગુલાબી ચિત્ર" રજૂ કરીને "બધું બરાબર છે" (All is well) નો પોકળ મંત્ર જપી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત અને ગંભીર છે.

 

ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની ખંડપીઠે તહેવારોમાં થતા પ્રદૂષણ અંગેની 'સુઓ મોટુ' (સ્વતઃ સંજ્ઞાન) કાર્યવાહી દરમિયાન આ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વારંવારના આદેશો છતાં સરઘસોમાં ડીજે, લાઉડસ્પીકર અને ફટાકડાનો બેફામ ઉપયોગ ચાલુ રહે છે. ન્યાયપીઠે સવાલ ઉઠાવ્યો હતો કે, "શું આ બધા લાઉડસ્પીકર્સ અને ફટાકડાનો ધુમાડો કરવાથી આપણને ભગવાનના વધારાના આશીર્વાદ મળવાના છે? એક જવાબદાર સમાજ તરીકે આપણે આ બંધ કરવું જોઈએ. પંઢરપુરની વાર્ષિક 'વારી' યાત્રામાંથી શીખ લેવી જોઈએ, જે કોઈપણ લાઉડસ્પીકર કે ઘોંઘાટ વગર અત્યંત શાંતિપૂર્ણ અને સંસ્કારી રીતે નીકળે છે."

 

સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા સરઘસોમાં મ્યુઝિક સિસ્ટમ અને ફટાકડા પર પ્રતિબંધના આદેશો બહાર પાડવામાં આવ્યા છે અને ફરિયાદો મળ્યે કાર્યવાહી પણ થાય છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દેતા કહ્યું કે, માત્ર કાગળ પર આદેશો બહાર પાડવા કે ફરિયાદો આવ્યા પછી પગલાં લેવા તે પૂરતું નથી. સમયની માંગ એવી 'નિવારક વ્યવસ્થા' (Preventive System) ઊભી કરવાની છે, જેથી નિયમોનું ઉલ્લંઘન થતું જ અટકે. વધુ પડતા ઘોંઘાટ અને ધુમાડાથી વરિષ્ઠ નાગરિકો, બીમાર દર્દીઓ અને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી ભોગવે છે.

 

હાઈકોર્ટે મુંબઈ, થાણે, પુણે અને નાશિક જેવા ગીચ શહેરોમાં મોટેથી વાગતા સંગીત પર સંપૂર્ણ સંયમ અથવા પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, બજારમાં ખુલ્લેઆમ વેચાતા ફટાકડાના ડેસિબલ અને તેનાથી ફેલાતા ઝેરી ધુમાડા અંગે કોઈ અસરકારક નિયમો ન હોવા બદલ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે તહેવારોની ઉજવણી વધુ ગરિમાપૂર્ણ અને સંસ્કારી રીતે યોજવા આહવાન કર્યું છે.

 

બોમ્બે હાઈકોર્ટે આપેલા મુખ્ય નિર્દેશો:

 

જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 

સરઘસોમાં આંખોને નુકસાન પહોંચાડતી લેસર લાઈટ્સ અને હાઈ-ઈન્ટેન્સિટી પ્રકાશના કિરણો (Beams) ના ઉપયોગ પર મનાઈ.

 

સત્તાવાળાએ ડેસિબલ સ્તર માપવું અને નિયમભંગ કરનાર સાઉન્ડ સિસ્ટમ્સ તથા સાધનો તાત્કાલિક જપ્ત કરવા.

 

આયોજકોએ કાર્યક્રમના સ્થળો અને સરઘસોમાં પોતાની સાઉન્ડ સિસ્ટમ સાથે ડેસિબલ મીટર લગાવવા ફરજિયાત.

 

નિયમભંગ રોકવા માટે આયોજક મંડળો પાસેથી રૂ. ૧ લાખ અને વ્યક્તિગત આયોજકો પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની સિક્યુરિટી ડિપોઝિટ લેવાની ભલામણ.

 

ઉલ્લંઘન કરનારાઓ સામે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને વિસ્ફોટકો અધિનિયમ હેઠળ કડક ગુનો નોંધવામાં આવશે.

(8:06 PM IST)