<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

૪૮ કલાકથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહેનાર સરકારી કર્મચારી આપમેળે થશે સસ્પેન્ડ: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

બિહારના સમસ્તીપુર હોસ્પિટલના મામલાની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે કર્મચારીની ધરપકડ બાદ સસ્પેન્શન માટે કોઈ અલગ આદેશની જરૂર નથી

નવી દિલ્હી : દેશમાં સરકારી કર્મચારીઓના સસ્પેન્શન અને ન્યાયિક કસ્ટડીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે ૪૮ કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તેને આપમેળે 'સસ્પેન્ડ' ગણવામાં આવશે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, બિહારના સમસ્તીપુરમાં સદર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર વિશ્વજીત સિંહને આપવામાં આવેલા જામીનને પુનર્સ્થાપિત કરતી વેળાએ સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યું હતું, જેઓ એક કોન્ટ્રાક્ટ કર્મચારીના બાકી પગારના બદલામાં લાંચ માંગવાના આરોપસર લગભગ ૧૫ દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા.

 

આ કેસની વિગતવાર સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે જાહેર સેવક હોવાના નાતે જ્યારે કોઈ કર્મચારી ૪૮ કલાકથી વધુ સમય જેલ કે કસ્ટડીમાં વિતાવે છે, ત્યારે કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેને આપમેળે સસ્પેન્ડ થયેલો જ માનવામાં આવે છે અને આ પ્રક્રિયા માટે કોઈ અલગથી આદેશ જારી કરવાની આવશ્યકતા રહેતી નથી.

 

સાથસાથ, સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો હતો જેમાં જામીન મળ્યાના એક વર્ષ પછી આરોપીના જામીન રદ કરવામાં આવ્યા હતા, પરંતુ અદાલતે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સસ્પેન્શન રદ થયા બાદ આરોપીને તે જ હોસ્પિટલમાં અને તે જ પદ પર ફરીથી કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા.

 

આ મામલે રાજ્ય સરકારને શક્ય તેટલી વહેલી તકે કાયદાકીય તપાસ કરીને જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા કર્મચારીઓની સેવા સ્થિતિ અને પોસ્ટિંગ અંગે યોગ્ય પારદર્શિતા જળવાઈ રહે.

 

આ ચુકાદો આગામી સમયમાં દેશભરના સરકારી વિભાગો અને ન્યાયિક પ્રક્રિયાઓમાં એક મોટો દાખલો બનશે, જે સરકારી સેવકોના શિસ્ત અને કાયદાકીય પાલન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

(8:51 PM IST)