News of Monday, 29th June 2026
સરકારી પગાર અને કરોડોનો વૈભવ: તેલંગાણાના એન્જિનિયરના ૧૭ ઠેકાણે એસીબી ત્રાટકી : મળ્યો કુબેરનો ખજાનો!
કુકટપલ્લીથી ગચીબોવલી સુધી ૭ વૈભવી ફ્લેટ્સ, મિયાપુરમાં આલીશાન ટ્રિપલેક્સ વિલા, ૨.૫ કિલો સોનું અને કરોડોની રોકડ જોઈને તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

હૈદરાબાદ: તેલંગાણાના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર-ઇન-ચીફ મોહન નાઈક જરુપાલા પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ એવો સકંજો કસ્યો છે કે તેમની કાળી કમાણી જોઈને ભલભલાની આંખો પહોળી થઈ ગઈ છે. એસીબીના અધિકારીઓએ બાતમીના આધારે આ ભ્રષ્ટ અધિકારીના નિવાસસ્થાન, ઓફિસ અને સગા-સંબંધીઓ સહિત કુલ ૧૭ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન સરકારી કાગળો પર જ આશરે ₹૧૭.૯૪ કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે, જ્યારે રીઅલ એસ્ટેટ માર્કેટના નિષ્ણાતોના મતે આ તમામ પ્રોપર્ટીનું વાસ્તવિક બજાર મૂલ્ય ₹૫૦ કરોડથી પણ વધુ હોઈ શકે છે.
એસીબીના દરોડા દરમિયાન આ સરકારી બાબુના નામે અને બેનામી રોકાણોના એવા દસ્તાવેજો મળ્યા છે જે કોઈ મોટા ઉદ્યોગપતિને પણ ટક્કર મારે. તપાસ એજન્સીને હૈદરાબાદના પોશ ગણાતા ગચીબોવલીમાં ૪ અને કોમ્પલીમાં ૩ મળીને કુલ ૭ આલીશાન ફ્લેટ્સ મળ્યા છે, જેની સરકારી કિંમત જ આશરે ₹૭.૩૫ કરોડ છે. આ સિવાય મિયાપુરમાં ₹૨.૫ કરોડનો એક શાનદાર ટ્રિપલેક્સ વિલા, કુકટપલ્લીમાં ₹૬૨ લાખનું નવું મકાન અને નિઝામાબાદના મુલ્લાંગી ગામમાં ૧૯.૩૮ એકર કિંમતી ખેતીની જમીન પણ જપ્ત કરવામાં આવી છે. હજુ તો આટલું ઓછું હોય તેમ, નિઝામાબાદમાં વધુ એક નવો વિલા ખરીદવા માટે આ મહાશયે ₹૧ કરોડનું એડવાન્સ પેમેન્ટ પણ રોકડેથી ચૂકવ્યું હોવાના પુરાવા એજન્સીના હાથે લાગ્યા છે.
માત્ર જમીન અને મકાન જ નહીં, મોહન નાઈકના ઘરમાંથી ડિજિટલ અને ફિઝિકલ લોકર ખોલતા જ જાણે કુબેરનો ખજાનો પ્રગટ થયો હતો. દરોડા દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી ₹૫૫ લાખની રોકડ રકમ, બેંક ખાતાઓમાંથી ₹૧.૪૪ કરોડની ફિક્સ ડિપોઝિટ અને આશરે ₹૨ કરોડની કિંમતના ૨.૫ કિલો સોનાના દાગીના તેમજ ૬ કિલો ચાંદી કબજે કરી છે. ઘરમાંથી ₹૧.૨૬ કરોડની કિંમતી ઘરગથ્થુ ચીજવસ્તુઓ, ૯ સ્માર્ટફોન, ૪ લેપટોપ અને વૈભવી ગાડીઓ પણ જપ્ત કરાઈ છે. એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને મોહન નાઈક જરુપાલાની ધરપકડ કરવામાં આવી છે અને હૈદરાબાદની સ્પેશિયલ એસીબી કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં જેલ ભેગો કર્યો છે, જ્યારે આ કાળા નાણાંના નેટવર્કમાં સામેલ અન્ય કડીઓની તપાસ હજુ પણ તેજ ગતિએ ચાલુ છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
