<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

દેશ ચલાવવા માટે દરરોજ આશરે ૧૩,૨૦૮ કરોડ રૂપિયા ખર્ચ થાય છે સરકારને

સરકારનો ખર્ચ માત્ર સરકાર ચલાવવા માટે સીમિત હોતો નથી, પરંતુ દેશની અર્થવ્‍યવસ્‍થાને ગતિ આપવા અને કલ્‍યાણકારી યોજનાઓ ચલાવવામાં પણ થાય છે : ભારત જેવા વિશાળ દેશને ચલાવવાનું કામ સરળ નથીઃ કેન્‍દ્ર સરકારે દરરોજ રક્ષા, રેલવે, રોડ, શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, ખેડૂતોની યોજનાઓ, સરકારી કર્મચારીઓના પગાર, પેન્‍શન અને વ્‍યાજના પેમેન્‍ટ જેવા હજારો કામો પર પૈસા ખર્ચ કરવા પડે છે

નવી દિલ્‍હી તા.૧૫: ભારત જેવા વિશાળ દેશને ચલાવવાનું કામ સરળ નથી. કેન્‍દ્ર સરકારે દરરોજ રક્ષા, રેલવે, રોડ, શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, ખેડૂતોની યોજનાઓ, સરકારી કર્મચારીઓના પગાર, પેન્‍શન અને વ્‍યાજના પેમેન્‍ટ જેવા હજારો કામો પર પૈસા ખર્ચ કરવા પડે છે. ભલે દેશ ચલાવવા માટે પૈસા જનતાના ખિસ્‍સામાંથી જાય છે. એટલે કે આપણે જે વિવિધ પ્રકારના ટેક્‍સ ચુકવણી કરીએ, તેનાથી સરકારની કમાણી થાય છે. પરંતુ શું તમે ક્‍યારેય વિચાર્યું છે કે દેશ ચલાવવા માટે સરકારે એક દિવસમાં કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે છે?

સામાન્‍ય બજેટ ૨૦૨૪-૨૫ના આંકડા આ સવાલનો રસપ્રદ જવાબ આપે છે. તેનાથી તમને સરકારના દરરોજના ઈએમઆઈ એટલે કે એક દિવસના ખર્ચનો અંદાજ આવી જશે. ભારત સરકારે બજેટ ૨૦૨૪-૨૦૨૫મા કુલ ખર્ચનું અનુમાન આશરે ૪૮.૨૧ લાખ કરોડ રૂપિયા રાખ્‍યું હતું. બાદમાં સામે આવેલા નાણાકીય આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫મા કેન્‍દ્ર સરકારનો વાસ્‍તવિક કુલ ખર્ચ આશરે ૪૬.૫૬ લાખ કરોડ રૂપિયા રહ્યો. જો આ આંકડાને દરરોજના હિસાબ પ્રમાણે સમજીએ તો સ્‍થિતિ વધુ મોટી દેખાય છે.

નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા અને ઇકોનોમિક સર્વે ૨૦૨૬ પ્રમાણે કેન્‍દ્રીય બજેટ ૨૦૨૪-૨૦૨૫મા સરકારનો અંદાજિત ખર્ચ ૪૮.૨૧ (૪૮,૨૧,૦૦૦) લાખ કરોડ રૂપિયા હતો. પરંતુ જો તેને ૩૬૫ દિવસમાં ભાંગવામાં આવે તો એક દિવસનો હિસાબ આવશે. ૪૮,૨૧,૦૦૦  ૩૬૫ = ૧૩,૨૦૮.૨૧ કરોડ રૂપિયા દરરોજ. એટલે કે બજેટના અનુમાન પ્રમાણે કેન્‍દ્ર સરકારને દેશ ચલાવવા માટે દરરોજ આશરે ૧૩,૨૦૮ કરોડ રૂપિયા ખર્ચ કરવાના હતા. જો તેને કલાકના હિસાબથી જોઈએ તો ૧૩,૨૦૮  ૨૪ = લગભગ ૫૫૦ કરોડ રૂપિયા પ્રતિ કલાક. મિનિટ પ્રમાણે જોઈએ તો ભારત સરકાર દર મિનિટે લગભગ ૯ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે.

બ્‍લૂમબર્ગના બજેટ એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫મા મોદી સરકારનો વાસ્‍તવિક ખર્ચ આશરે ૪૬.૫૬ (૪૬,૫૬,૦૦૦) લાખ કરોડ રૂપિયા રહ્યો. દરરોજનો હિસાબ કરવામાં આવે તો ૪૬,૫૬,૦૦૦   ૩૬૫ = ૧૨,૭૫૬.૧૬ કરોડ રૂપિયા પ્રતિદિન થયો. આ રીતે ભારત સરકારે દરરોજ લગભગ ૧૨૭૫૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં. આ સંભવિત ખર્ચથી આશરે ૪૫૨ કરોડ રૂપિયા પ્રતિદિન ઓછો રહ્યો.

સરકારી ખર્ચનો મોટો હિસ્‍સો વ્‍યાજ ચુકવવામાં જાય છે. બજેટના દસ્‍તાવેજો પ્રમામે ૨૦૨૪-૨૫મા કુલ ખર્ચના લગભગ ૨૫ ટકા માત્ર જૂની લોનનું વ્‍યાજ ચુકવવામાં ગયા. આ સિવાય રક્ષામંત્રાલય, રેલવે, રોડ અને હાઈવે, ગ્રામીણ વિકાસ, ખાદ્ય સબસિડી, ખાતર સબસિટી અને રાજ્‍યોને મળનાર મદદ પર પણ ભારે ખર્ચ થાય છે. કરોડો લોકોને રાશન સબસિડી મળે છે. રેલવે અને હાઈવે પરિયોજનાઓ પર મોટું રોકાણ થાય છે. સરકારી કર્મચારીઓના પગાર અને પેન્‍શન પર પણ મોટો ખર્ચ થાય છે.

છેલ્‍લા કેટલાક વર્ષમાં સરકારે  Capital Expenditure એટલે કે આંતરમાળખાનું રોકાણ વધારવા પર ભાર આપ્‍યો છે. બજેટ ૨૦૨૪-૨૦૨૫મા Capital Expenditure વધારવા પર ભાર આપવામાં આવ્‍યો છે. આમ તો વધુ સરકારી ખર્ચનો મતલબ વધુ ઉધારી પણ થઈ શકે છે. જો સરકારની કમાણી ઓછી અને ખર્ચ વધી જાય તો, રાજકોષિય ખાધ એટલે કે Fiscal Deficit વધે છે. આ કારણ છે કે સરકાર સતત ખોટ ઘટાડવાનો પ્રસાય કરી રહી છે.

સરકાર કેટલો ખર્ચ કરે છે, તેની અસર સીધી સામાન્‍ય લોકોના જીવન પર પડે છે. જો સરકાર વધુ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બનાવે છે તો રોજગાર વધે છે. જો સબસિડી વધારે છે તો મોંઘવારીની અસર ઓછી થાય છે. જો શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય પર ખર્ચ વધે છે તો સુવિધાઓ સારી થાય છે. જો ખર્ચ જરૂરિયાતથી વધુ વધી જાય અને કમાણી ઓછી હોય તો ટેક્‍સનું ભારણ અને મોંઘવારી વધવાનો ખતરો રહે છે.

(10:26 AM IST)