<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સિંગાપોરમાં ફસાયેલા સેંકડો ભારતીય શ્રમિકોની વહારે આવી ત્યાંની સરકાર: પગાર વિના દેવામાં ડૂબેલા મજૂરોને રોકડ અને ખાધ્ય વાઉચરની તાત્કાલિક સહાય

માલિકો કંપનીઓને તાળું મારી ફરાર થતાં ભારત-બાંગ્લાદેશના ૪૦૦થી વધુ કામદારો રઝળ્યા; સિંગાપોર પ્રશાસને નવી નોકરીઓ શોધવા માટે સ્પેશિયલ પાસ ઇશ્યૂ કર્યા

સિંગાપોર : રોજીરોટી કમાવવા અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે સાત સમંદર પાર સિંગાપોર ગયેલા સેંકડો ભારતીય અને બાંગ્લાદેશી સ્થળાંતરિત (માઇગ્રન્ટ) કામદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંગાપોરની જાણીતી કંપની KPA એન્જિનિયરિંગ અને તેની સહયોગી SK ઇન્ડસ્ટ્રીઝના માલિકો શ્રમિકોને છેલ્લા ત્રણથી ચાર મહિનાનો પગાર ચૂકવ્યા વિના જ કંપનીઓને તાળું મારીને કથિત રીતે દેશ છોડી ભાગી ગયા છે. આ છેતરપિંડીના કારણે આશરે ૪૦૦થી વધુ શ્રમિકો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. આ અસહાય કામદારોની મદદે હવે સિંગાપોર સરકાર અને ત્યાંની સૌથી મોટી મજૂર સંસ્થા આગળ આવી છે. બુધવારે સિંગાપોર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે આ તમામ ત્યજી દેવાયેલા કામદારોને તત્કાલ નાણાકીય રાહત આપવા માટે ૨૦૦ સિંગાપોર ડોલર (રોકડ અને વાઉચર) આપવામાં આવશે.
નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (NTUC) ના સેક્રેટરી-જનરલ અને શ્રમ વડા એનજી ચી મેંગે તુઆસ વ્યૂ ડોર્મિટરી (જ્યાં હાલ આ કામદારો આશ્રય લઈ રહ્યા છે) ની મુલાકાત લીધી હતી. તેમણે તમિલ અને બંગાળી દુભાષિયાઓની મદદથી પીડિત મજૂરોની આપવીતી સાંભળી હતી. એનજી ચી મેંગે મીડિયાને જણાવ્યું કે, મજૂર આંદોલન અને માઇગ્રન્ટ વર્કર્સ સેન્ટર (MWC) નામની એનજીઓ સંયુક્ત રીતે દરેક કામદારને દૈનિક ખર્ચ માટે ૧૦૦ સિંગાપોર ડોલર રોકડા અને ફેઅરપ્રાઇસ સુપરમાર્કેટના ૧૦૦ સિંગાપોર ડોલરના વાઉચર આપશે. આ સાથે જ NTUC એ છેલ્લા બે દિવસમાં જ ૪૦ અલગ-અલગ નોકરીદાતાઓનો સંપર્ક કરીને આ શ્રમિકો માટે બાંધકામ ક્ષેત્રમાં ૧૫૦ નવી નોકરીઓની ખાલી જગ્યાઓ પણ શોધી કાઢી છે.
ઠગ માલિકો સામે સિંગાપોર મંત્રાલય લાલચોળ, તપાસ શરૂ
આ ગંભીર કટોકટી વચ્ચે શ્રમ વડા સાથે હાજર રહેલા સિંગાપોરના માનવશક્તિ (મેનપાવર) રાજ્યમંત્રી દિનેશ વાસુ દાશે કડક વલણ અપનાવતા કહ્યું કે, મંત્રાલય એવા નોકરીદાતાઓ પ્રત્યે "ખૂબ જ ગંભીર અને સખત દ્રષ્ટિકોણ" રાખે છે જેમણે શ્રમિકોને આવી લાચાર પરિસ્થિતિમાં લાવીને મૂક્યા છે. આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે, કામદારોને આ વચગાળાના સમયમાં સિંગાપોરમાં કાયદેસર રીતે રહેવા અને નવી રોજગારી શોધવા માટે માનવશક્તિ મંત્રાલય (MOM) દ્વારા ખાસ 'સ્પેશિયલ પાસ' ઇશ્યૂ કરવામાં આવશે, જેથી તેઓ પોલીસ કે વિઝાની કાનૂની ગૂંચવણોમાં ન ફસાય.
કામદારો દેવાના ડુંગર નીચે દબાયા, નવી આશા જાગી
મુલાકાત દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આમાંના મોટાભાગના કામદારો ભારત અને બાંગ્લાદેશથી સિંગાપોર આવવા માટે મોટી એજન્સી ફી ચૂકવીને આવ્યા હતા, જેના કારણે તેઓ પહેલેથી જ વ્યાજના મોટા દેવામાં ડૂબેલા છે. ઉપરથી પગાર ન મળતા તેમના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રાહતની વાત એ છે કે આ કામદારો એર-કન્ડિશનિંગ ઇન્સ્ટોલેશન અને કન્સ્ટ્રક્શન લાઇનના કુશળ કારીગરો છે, જેની સિંગાપોરમાં ભારે માંગ છે. સિંગાપોર સરકાર આ કામદારોના રહેઠાણની મુદત પૂરી થયા બાદ તેમને ટાપુ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સેંગકાંગમાં MOM ના ઓનબોર્ડિંગ સેન્ટરમાં સ્િફ્ટ કરશે, જ્યાંથી તેમને નવી નોકરીઓ અપાશે.
🇸🇬 સિંગાપોર સરકારના રાહત પગલાં:
•    તાત્કાલિક આર્થિક સહાય: $૧૦૦ રોકડા + $૧૦૦ ના સુપરમાર્કેટ વાઉચર્સ.
•    કાનૂની રાહત: નવી નોકરી શોધવા માટે સરકાર તરફથી 'સ્પેશિયલ પાસ' અપાશે.
•    નવી રોજગારી: બાંધકામ ક્ષેત્રે ૧૫૦ જેટલી નવી જગ્યાઓ તાબડતોબ શોધી કઢાઈ.
•    તપાસનો ગાળિયો: KPA એન્જિનિયરિંગ અને SK ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો વિરુદ્ધ કેસ દાખલ.

(7:06 PM IST)