<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગોવિંદાના લગ્નજીવનમાં ભડકો: 'જે મારું ઘર તોડી રહ્યા છે એમને...' સુનીતા આહુજાએ કાલી માતાના દર્શને પહોંચી માંગી મદદ; Gen-Z ને કરી ખાસ અપીલ

કો-સ્ટાર કોમલ રાણી સાથે લાલબાગચા રાજાના દર્શન બાદ વિવાદ વકર્યો; પતિ ગોવિંદાએ અફવાઓને કાવતરું ગણાવી, જ્યારે સુનીતાએ પારિવારિક સંકટ દૂર કરવા મહાકાલીની ગુહાર લગાવી

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વચ્ચેના સંબંધોને લઈને ફરી એકવાર વિવાદ ઘેરો બન્યો છે. તાજેતરમાં ગોવિંદા અને તેમની આગામી ફિલ્મના કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથેના સંબંધોની અફવાઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન સુનીતા આહુજા ભુવનેશ્વર ખાતે પ્રસિદ્ધ કાલી માતાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીતમાં પોતાના જીવનમાં ચાલી રહેલા પારિવારિક સંકટ પર ખુલીને વાત કરી હતી અને 'Gen-Z' (નવી પેઢી) તથા મહિલાઓ પાસે સમર્થનની માંગ કરી હતી.

 

'જે મારું ઘર તોડી રહ્યા છે, તેમનો નાશ થાય': સુનીતાની ભાવુક પ્રાર્થના

 

સુનીતાએ ભુવનેશ્વરમાં કાલી માતાના દર્શન કર્યા બાદ ભાવુક થઈને જણાવ્યું હતું કે, મહાકાલી માતા રાક્ષસો અને દુષ્ટોનો નાશ કરનારી દેવી છે. તેઓ પોતાના જીવનમાં આવી પડેલી મુશ્કેલીઓ અને સંકટોથી મુક્તિ મેળવવા માટે માતાજીના શરણે આવ્યા છે. કોઈનું સીધું નામ લીધા વિના સુનીતાએ માર્મિક ઈશારો કર્યો હતો કે તેમની સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી અને તેમનું ઘર ભાંગી રહ્યું છે. તેમણે 'Gen-Z' અને સમાજની મહિલાઓને અપીલ કરી હતી કે આવા કૃત્યોને પ્રોત્સાહન ન આપે અને જો પોતાની દીકરી-વહુ સાથે આવું થાય તો કેવું લાગે તે અંગે વિચાર કરે.

 

લાલબાગચા રાજાના દર્શનથી શરૂ થયો સમગ્ર વિવાદ

 

આ સમગ્ર અફવાઓની શરૂઆત ત્યારે થઈ જ્યારે ૨૨ સપ્ટેમ્બરે ગોવિંદા મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન કરવા તેમની સહ-કલાકાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે પહોંચ્યા હતા. તે જ દિવસે થોડા સમય પહેલા સુનીતા એકલા દર્શન કરી ચૂક્યા હતા. બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અટકળો શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ, ગોવિંદાએ આ અહેવાલોને અફવા ગણાવતા સ્પષ્ટતા કરી છે કે કોમલ તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-એક્ટ્રેસ છે અને કામની નવી શરૂઆત માટે તેમણે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. ગોવિંદાએ આ સમગ્ર મામલાને પોતાના પરિવારથી દૂર કરવા અને તેમની છબી ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

 

(8:17 PM IST)