<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી : ૩૦ લાખથી વધુ દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી સરયુ નગરી : રચાયો નવો વિશ્વ વિક્રમ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની હાજરીમાં ૫૬ ઘાટો પર પ્રગટાયા ૩૦ લાખ માટીના દીવા : ૨,૧૦૦ ડ્રોન શો, લેસર લાઈટીંગ અને ઐતિહાસિક મહાઆરતી સાથે અયોધ્યામાં સર્જાયો ભવ્ય આધ્યાત્મિક માહોલ

અયોધ્યા:  ઉત્તર પ્રદેશની પવિત્ર નગરી અયોધ્યામાં દસમા દીપોત્સવના અવસરે એવો અલૌકિક અને ભવ્ય નજારો જોવા મળ્યો, જાણે સાક્ષાત ત્રેતાયુગ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય. સરયુ નદીના કિનારે આવેલા ૫૬ ઘાટો અને 'રામ કી પૈડી' પર એકસાથે ૩૦ લાખથી વધુ માટીના દીવાઓ પ્રગટાવવામાં આવતાની સાથે જ સમગ્ર નગરી પ્રકાશથી ઝળહળી ઉઠી હતી અને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો હતો. ઘાટો પર હજારો દીવાઓની એક સાથે રોશની અને પાણીમાં પડતી તેની પ્રતિકાચી પ્રભાએ એવો અદ્ભુત માહોલ સર્જ્યો કે જાણે આકાશના તારાઓ જમીન પર ઉત્તરી આવ્યા હોય. સમગ્ર અયોધ્યા ધામ "જય શ્રી રામ" ના દિવ્ય નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ ઐતિહાસિક દીપોત્સવને સફળ બનાવવા માટે ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓના ૩૫,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરીને ઘાટો પર શિસ્તબદ્ધ રીતે દીવાઓની ગોઠવણ કરી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની વિશેષ ટીમ દ્વારા ડ્રોન અને આધુનિક કેમેરાની મદદથી દીવાઓની ગણતરી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો, જેમાં ૨,૧૦0 સ્વદેશી ડ્રોન્સે આકાશમાં ભગવાન રામના પુનરાગમન, રાવણ વઘ અને રામ દરબારના દ્રશ્યો જીવંત કરીને લાખો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સરયુ નદીના તટે ૨,૧૫૧ વેદજ્ઞો અને પૂજારીઓ દ્વારા એકસાથે કરવામાં આવેલી ભવ્ય મહાઆરતીથી વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું. આ વૈશ્વિક પર્વમાં સામેલ થવા માટે ભારત જ નહીં પરંતુ થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, લાઓસ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી આંતરરાષ્ટ્રીય રામલીલા મંડળો અને હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અયોધ્યાને સુરક્ષાના ત્રણ કડક ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેથી આ ભવ્ય પર્વની ઉજવણી અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થઈ શકે.

(7:37 PM IST)